Vadodara Bridge Collapsed News : વડોદરાના પાદરા નજીક ગંભીરા નદી પરનો બ્રિજ તૂટ્યો, 3 લોકોનાં જીવ ગયા

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Vadodara Bridge Collapsed News : વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

- Advertisement -

બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે. નદીમાં ખાબકેલા વાહનો પાસે એક મહિલા મદદ માટે કગરતી દેખાઈ હતી.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય ચાવડા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને કનેક્ટ કરે છે અને આ બ્રિજની હદ વડોદરા જિલ્લામાં આવતી હોવાથી તંત્રએ કામગીરી હાથમાં લીધી છે. તેમણે જણાવ્યું કે બ્રિજ તૂટવાની ઘટના બાબતે પોલીસને જાણકારી આપી દેવામાં આવતી હતી. હાલ બ્રિજ તૂટવાના કારણે પાંચ જેટલા વાહનો નદીમાં પડ્યા છે અને એક ટ્રક લટકતી છે. બંનેની જાણ કરી દેવામાં આવી છે.

- Advertisement -

આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો.

સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ

- Advertisement -

સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.

ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી

ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો અનુસાર સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરબ્રિગેડની ટીમ પણ આવી પહોંચી છે. આ મામલે અમિત ચાવડાએ તંત્રને ઘેરતાં અનેક સવાલો પણ ઊઠાવ્યા હતા.

Share This Article