Gujarat IPS Officer Transfer : લાંબા સમયથી નહીં પરંતુ મહિનાઓથી જેમની બદલી ટ્રાન્સફરની અટકળો કરવામાં આવતી હતી તેવા ગુજરાત રાજ્યમાં IPS કેડરમાં આજે સોમવારે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 105 IPS અને સ્ટેટ પોલીસ સર્વિસના ઓફિસર્સને બદલી નાખવામાં આવ્યા છે. સોમવારે બપોર બાદથી જ ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં હલચલ થઈ રહી હોવાનો પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં દાવાઓ થઈ રહ્યાં હતા. જે ફાઈનલી આજે સાચા પડયા છે. જે રીતે લાંબા સમય બાદ અને ખાસ્સી એવી ગડમથલ પછી IPS અધિકારીઓને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને જોતા ગુજરાત રાજ્યમાં, ભાજપની સત્તામાં પોલીસ અધિકારીઓનું કેટલું અને શા માટે આટલું બધું મહત્વ રહેલું છે તે ઉડીને આંખે વળગે તેવું છે. કોઈ પણ વિરોધીઓને પતાવી નાખવા માટે જેમ કેન્દ્ર કક્ષાએ ED અને CBI જેવા ઓર્ગેનાઇઝેશનના દુરુપયોગના આક્ષેપ થઈ રહ્યા છે તેમ ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દાયકાના ભાજપના રાજમાં પોલીસ અધિકારીઓ ખાખી ચડ્ડી પહેરીને ભાજપના કાર્યકર તરીકે તેમના રાજકીય આકા કહે તેમ સોપારીઓ ફોડી રહ્યા છે તે લોકોથી અજાણ નથી. કદાચ એટલે જ ગુજરાત સરકાર પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમા આટલી બધી વાર કરી રહી હતી.
ગૃહ વિભાગે આજે જાહેર કરેલા ટ્રાન્સફર લિસ્ટમાં 105 IPSને બદલવામાં આવ્યા છે જેમાં ઉડીને આંખે વળગે તેવા ઓર્ડરમાં અમદાવાદ ટ્રાફિકના ડીસીપી સફીન હસન, અમદાવાદના ઝોન 5ના DCP બળદેવ દેસાઈ, ગીર સોમનાથ જિલ્લાના એસપી જાડેજા અને તાજેતરમાં એડિશનલ DGP અભય ચુડાસમા સામે સરકારી રિકવરીનો મોરચો ખોલનારા MT સેક્શનના SP મનીષ સીંગને બદલી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાન્સફરના આ મેગા ઓર્ડરમાં મોટાભાગે ગુજ્જુ અધિકારીઓને ફેરબદલ કરવામાં આવ્યા છે. બદલીના આ હુકમ વલસાડના એસપી કરણરાજ વાઘેલા, બનાસકાંઠાના એસપી અક્ષય મકવાણા, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, પૂર્વ IPS ડી,જી.વણઝારાના ભત્રીજી મંજીતા વણઝારા વગેરેનો સમાવેશ થાય છે. DG ઓફિસમાં ફરજ બજાવતા રૂપલ સોલંકીને અમદાવાદમાં DCP ઝોન 3 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
SP રેન્કમાં જ ફેરફાર, સિનિયર IPSની ટ્રાન્સફર હજુ બાકી : સરકારે આજે જાહેર કરેલા 105 પોલીસ અધિકારીઓના લિસ્ટમાં SP કેડરના જ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હજુપણ રેન્જ ઉપરાંત IG અને ડીઆઈજી રેન્ક સહીત એડિશનલ ડીજી રેન્કમાં કેટલીક જગ્યાઓ ખાલી છે અથવા તો ચાર્જ ઉપર ચાલી રહી છે. એટલે આગામી દિવસોમાં સિનિયર પોઝિશનમાં ફેરફાર કરવા પડશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.