Gujaratis trapped in Myanmar job scam: થાઈલેન્ડમાં નોકરીની લાલચ, અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા; ચાઈનીઝ ગેંગની સંડોવણીની શંકા

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Gujaratis trapped in Myanmar job scam બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કૉલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કૉલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં કરાવતા ગેરકાયદે કામ

- Advertisement -

ટેલિગ્રામ ચેનલ દ્વારા બેંગકોકમાં આઈટી કંપનીમાં જૉબ ઓફરની લાલચ આપીને યુવાનોને ટુરિસ્ટ વીઝા પર બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટરમાં લઈ જઈને ત્યાં સાયબર ક્રાઇમ આચરતી ચાઈનીઝ ગેંગના સકંજામાંથી છૂટેલા અમદાવાદના યુવકની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

શું હતી ઘટના?

- Advertisement -

આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે, અમદાવાદમાં રહેતા યુવકની સાથે તેના મિત્રને પણ અભિષેકસિંગ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. જેથી બેંગકોક જવા માટેની વીઝા પ્રોસેસ કિંજલ શાહે કરી આપી હતી. બંને મિત્રો બેંગકોક પહોંચ્યા ત્યારે અભિષેકસિંગે વિડીયો કૉલ કરીને તેમને એક લોકેશન પર પહોંચવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો અને તેણે એક ટેક્ષીનો નંબર આપ્યો હતો. જે ટેક્ષીમાં બેસીને હોટલ પર જવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ આવેલી ટેક્ષીના ડ્રાઇવર આશરે 400 કિલોમીટર દૂર એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં બે મિત્રોની સાથે અન્ય યુવકો પણ હતા. જેથી ભોગ બનનાર યુવકના મિત્રને શંકા જતા તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે થોડીવાર બાદ તમામને અલગ-અલગ કારમાં મ્યાનમાર કેનાલ પાસે લઈ જઈને ક્રોસ કરાવ્યા બાદ 20 કિલોમીટર ચલાવીને ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટર પર લઈ ગયા હતા. જ્યાં તમામના ફોટો પાડીને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તમામને કૉલ સેન્ટરથી કૉલ કરીને નાણાં પડાવવા માટેની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે 20 દિવસની તાલીમ પણ અપાઇ હતી.

પાંચ દિવસ જેલમાં પૂરી રાખ્યો

- Advertisement -

પરંતુ, અમદાવાદથી ગયેલા યુવકે સાયબર ક્રાઇમ આચરવાની ના પાડતા તેને કૉલ સેન્ટરની ઓફિસમાં આવેલી જેલમાં પાંચ દિવસ સુધી પૂરીને માર માર્યો હતો. એટલું જ નહીં તેણે ફોનમાં પાડેલા ત્યાંનો ફોટો જોઈને ફોન પણ જપ્ત કર્યો હતો. યુવકના જણાવ્યા મુજબ, કૉલ સેન્ટરમાં ભારતીયો સહિત અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે અને ટુરિસ્ટ વિઝા પૂર્ણ થયા બાદ તે થાઇલેન્ડમાં પ્રવેશ કરી શકે તેમ નથી. જેથી તમામ લોકો ત્યાં ફસાયા છે.

આ સિવાય, અમદાવાદના યુવકે પરત જવાની જીદ કરતા તેના ફોનમાંથી તમામ ડેટા હટાવીને ખંડણી પેટે સાડા ત્રણ લાખ મંગાવ્યા બાદ મ્યાનમારથી થાઇલેન્ડમાં છોડી દીધો હતો. જ્યાંથી તેણે તેના સગાને કૉલ કરીને ટિકિટની વ્યવસ્થા કરી અને પરત આવ્યો હતો.

અમદાવાદ સાઇબર ક્રાઇમે હાથ ધરી તપાસ

હવે અમદાવાદ સાયબર ક્રાઇમ આ મામલે સેન્ટ્રલ એજન્સીની મદદથી મ્યાનમાર અને કમ્બોડિયામાં ચાલતા ગેરકાયદે કૉલ સેન્ટરમાં ફસાયેલા લોકોને છોડાવવા માટે પ્રયાસ કરશે. બીજી તરફ દુબઈમાં રહીને સમગ્ર કૌભાંડ ચલાવતા અભિષેકસિંગને પકડવા માટે પણ વિવિધ એજન્સીની મદદ લેશે.

Share This Article