Ahmedabad Seventh day School : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની 200થી વધુ શાળાઓ જોડાઈ હતી. બંધના એલાનને સવારથી જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્કૂલથી 500 મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો.
આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સિંધીબજાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું.
વિરોધ પ્રદર્શન શરૂ
વિદ્યાર્થીની હત્યાના મામલે આક્રોશ યથાવત છે. એનએસયુઆઇ દ્વારા સ્કૂલની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર બાદ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થતા પોલીસે અટકાયતનો દૌર શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે બુધવારે પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હુમલા મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે બુધવારે થયેલી મારામારી અને તોડફોડ બાદ પોલીસ સક્રિય થઈ છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ મામલે 500થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા ટોળાએ સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ અને બસના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, એલસીડી અને કોમ્પ્યુટર સહિતની મિલકતોને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્કૂલના સત્તાધીશોએ અંદાજે ₹15 લાખનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો કર્યો છે. આ ઘટના બાદ ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી વિદ્યાર્થી સહિત અન્ય એકની અટકાયત
વિદ્યાર્થીની હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ ઉપરાંત, આ ઘટનામાં મદદ કરનાર અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાના આધારે અટકાયત કરવામાં આવી છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી
પોલીસ તપાસમાં સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. વિદ્યાર્થીના લોહીના ડાઘા દૂર કરવા માટે પાણીનું ટેન્કર બોલાવી સફાઈ કરવામાં આવી હતી, જે એક ગંભીર ગુનો ગણી શકાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.