Amruta Raut black magic experience: અમૃતા રાવે શેર કર્યો પોતાનો કાળો જાદુનો અનુભવ, ગુરુના આશીર્વાદ પછી વિશ્વાસ થયો

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Amruta Raut black magic experience: બોલિવૂડમાં ‘કાળા જાદુ’ના કિસ્સાઓ સાંભળવા મળે છે, જેના પર મોટાભાગના કલાકારો વિશ્વાસ કરતા નથી. પરંતુ, હિન્દી સિનેમાની અભિનેત્રી અમૃતા રાવે તાજેતરમાં જણાવ્યું કે તે પોતે પણ આ વાતોમાં માનતી નહોતી, છતાં જ્યારે તેની સાથે બ્લેક મેજિક જેવી ઘટનાઓ બની, ત્યારે તેને ખૂબ આશ્ચર્ય થયું. ફિલ્મ ‘વિવાહ’, ‘મેં હૂં ના’ જેવી ફિલ્મોથી જાણીતી અમૃતા હાલમાં સ્ક્રીનથી દૂર છે.

અમૃતા રાવે બ્લેક મેજિક વિશે વાત કરી

- Advertisement -

તાજેતરમાં જ અમૃતા રાવે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં કાળા જાદુ વિશે વાત કરી. આ દરમિયાન અભિનેત્રીને બ્લેક મેજિક વિશે સવાલ કરવામાં આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે તમે આવા સવાલો કેમ પૂછો છો? આના પર રણવીરે કહ્યું કે સરળ અને સાફ દિલના લોકો ડાર્ક સાઇડથી પ્રભાવિત થાય છે.

અમૃતાએ પછી પોતાની વાત સંભળાવી અને કહ્યું કે, ‘જ્યારે એક સમયે હું મારા ગુરુ પાસે આશીર્વાદ લેવા પહોંચી હતી, ત્યારે મને આ વિશે ખબર પડી. તેમને મળ્યાના એકાદ-બે દિવસ પછી જ ગુરુએ મારા મમ્મીને કહ્યું કે તેમની દીકરી પર ‘વશીકરણ’ કરવામાં આવ્યું છે. આનાથી હું પોતે પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.’

કાળા જાદુ પર અમૃતા રાવનો અનુભવ: ‘ગુરુએ કહ્યું એટલે માન્યું’

અમૃતા રાવે જણાવ્યું કે, ‘હું પોતે આવી વાતોમાં માનતી નહોતી, પરંતુ મારા ગુરુએ કહ્યું હોવાથી મેં વિશ્વાસ કર્યો.’ અમૃતાએ સ્પષ્ટતા કરી કે, ‘જો કોઈ બીજાએ આ વાત કહી હોત તો કદાચ હું વિશ્વાસ ન કરી શકતી. મારા મતે, મારા ગુરુ સાચા છે અને તેમણે મને માત્ર સત્ય જ કહ્યું હતું.’ તેમની વાત સાંભળ્યા પછી અમૃતાને પણ લાગ્યું કે કદાચ આવું થયું હશે, કારણ કે તેણે બીજા લોકો સાથે પણ આ બધું થતું સાંભળ્યું હતું.

એક સાથે ત્રણ ફિલ્મો સાઇન કરી હતી

અભિનેત્રીએ કહ્યું કે, ‘કદાચ કાળો જાદુ નહોતો થયો, પરંતુ કેટલીક નેગેટિવ વસ્તુઓ તમારી સાથે થાય છે.’ પોતાની જિંદગીનો એક કિસ્સો શેર કરતાં અભિનેત્રીએ કહ્યું કે, ‘મારી લાઇફમાં એક એવો વળાંક આવ્યો હતો કે મેં એક સાથે ત્રણ મોટી ફિલ્મો સાઇન કરી હતી અને ત્રણેય મોટા બેનરની ફિલ્મો હતી. જોકે, આશ્ચર્યની વાત એ રહી કે તે ત્રણેય ફિલ્મો ન બની. મેં ફિલ્મની સાઇનિંગ અમાઉન્ટ પણ લઈ લીધી હતી, જે પ્રોજેક્ટ બંધ થયા પછી પાછી આપવી પડી હતી અને આ ખૂબ જ વિચિત્ર હતું.’

Share This Article