Smallcap Market Performance 2025: સંવત ૨૦૮૧માં સ્મોલકેપ શેરોમાં ઘટાડો, લાર્જકેપ અને મિડકેપ શેરોએ દેખાડ્યું સ્થિર પ્રદર્શન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Smallcap Market Performance 2025: સંવત ૨૦૮૧ ભારતીય શેરબજાર માટે, ખાસ કરીને સ્મોલકેપ શેરો માટે નિરાશાજનક વર્ષ પુરવાર થયું હતું. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સે છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર નોંધાવ્યું હતું. સંવત ૨૦૮૧ માં આ ઇન્ડેક્સ ૩.૧% ઘટયો છે. તેની સરખામણીમાં, નિફ્ટી  અને  સેન્સેક્સે આ સમયગાળા દરમિયાન અનુક્રમે ૬.૩% અને ૫.૮% નો સાધારણ વધારો નોંધાવ્યો છે. અગાઉ, સ્મોલકેપ ઇન્ડેક્સે સંવત ૨૦૭૪ અને ૨૦૭૫ માં અનુક્રમે ૧૫.૫% અને ૮.૮% ઘટાડો નોંધાવ્યો હતો.

બીએસઈ મિડકેપ ઇન્ડેક્સે આ વર્ષે ૧ ટકા જેટલું નજીવું વળતર આપ્યું હતું. જોકે, છેલ્લા બે સંવત વર્ષોમાં, તેમાં અનુક્રમે ૪૧ ટકા અને ૩૧ ટકાનો મોટો વધારો જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા મુજબ રોકાણકારોનું ધ્યાન આ વર્ષે મોટાભાગે લાર્જ-કેપ અને મિડ-કેપ શેરો પર રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર (Q2 FY26) ના પરિણામો સ્મોલ-કેપ શેરો માટે મહત્વપૂર્ણ રહેશે. જો કમાણીમાં સુધારો થતો રહેશે, તો સ્ટોક-સ્પેસિફિક અને સેક્ટર-સ્પેસિફિક લાભ શક્ય બનશે.

- Advertisement -

સંવત વર્ષ દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડી આઈઆઈ) એ શેરબજારમાં આશરે રૂ. ૪.૭ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. દરમિયાન, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ રૂ. ૧.૫૩ લાખ કરોડ પાછા ખેંચી લીધા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને પેન્શન ફંડનો સમાવેશ થાય છે.

અહેવાલ મુજબ, ભારતીય ઇક્વિટીમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ઐતિહાસિક સરેરાશથી નીચે રહે છે. નિફ્ટી ૫૦ માં વિદેશી રોકાણકારોનો  હિસ્સો ડિસેમ્બર ૨૦૨૦ માં ૨૮% થી ઘટીને જૂન ૨૦૨૫ માં ૨૫% થયો છે, જ્યારે નિફ્ટી ૫૦૦ માં, તે ૨૩% થી ઘટીને લગભગ ૨૦% થયો છે.

- Advertisement -

ક્ષેત્રીય શેરોમાં ઓટોમોબાઈલ, મેટલ અને પીએસયુ બેંકિંગ શેરોએ સતત ચોથા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું.  સંવત વર્ષ ૨૦૮૧ માં, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ૧૬% , નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ ૧૪%  અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૦% વધ્યો હતો, તેનાથી વિપરીત, નિફ્ટી આઇટી, એફએમસીજી અને એનર્જી ઇન્ડેક્સ ૮% થી ૧૨% ની વચ્ચે ઘટયા હતા.

Share This Article