Bihar cyber fraud: બિહારના ગોપાલગંજમાં પોલીસે સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક ચા વેચતા દુકાનદારના ઘરે દરોડા પાડીને પોલીસે એક કરોડથી વધુની રોકડ, 344 ગ્રામ સોનું, 1.75 કિલોગ્રામ ચાંદી અને સાયબર ઠગાઈ સાથે જોડાયેલો મોટા પ્રમાણમાં સામાન જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.
પોલીસે જુઓ શું શું જપ્ત કર્યું?
સાયબર ડીએસપી અવંતિકા દિલીપ કુમારે જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે 17 ઓક્ટોબરે ગોપાલગંજના એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી રૂ. 10549850 રોકડા, 344 ગ્રામ સોનાના દાગીના અને 1.75 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 85 એટીએમ કાર્ડ, 75 બેંક પાસબુક, 28 ચેકબુક, બે લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન અને એક લક્ઝરી કાર પણ મળી આવી છે. આ કેસમાં બે સગા ભાઈઓ, અભિષેક કુમાર અને આદિત્ય કુમારની ધરપકડ કરવામાં આવી છે.
દુબઈથી ચલાવતો રેકેટ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય આરોપી અભિષેક કુમાર પહેલા ચાની દુકાન ચલાવતો હતો. બાદમાં તે દુબઈ જતો રહ્યો, જ્યાંથી તેણે સાયબર ઠગાઈનું આખું નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું. તેનો ભાઈ આદિત્ય કુમાર ગામમાં રહીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તેની મદદ કરતો હતો.
કેવી રીતે કરતા ઠગાઈ?
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સાયબર ઠગાઈ દ્વારા અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા મંગાવતી હતી અને પછી રોકડમાં વ્યવહાર કરતી હતી. પોલીસને જપ્ત કરાયેલી મોટાભાગની પાસબુક બેંગલુરુની મળી છે, જેનાથી આ નેટવર્ક રાજ્ય બહાર પણ ફેલાયેલું હોવાની આશંકા છે. આટલી મોટી માત્રામાં રોકડ અને સામાન મળ્યા બાદ હવે આવકવેરા વિભાગ અને એટીએસ (ATS)ની ટીમો પણ ગોપાલગંજ પહોંચી ગઈ છે અને ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.