Modi Diwali INS Vikrant: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીનો તહેવાર જવાનો સાથે ઊજવવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી હતી. પીએમ મોદીએ વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત પર નેવીના જવાનો સાથે દિવાળી ઊજવી હતી. તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલાં દેશની ત્રણ સેનાઓના અસાધારણ સંકલન, નેવીએ પાકિસ્તાનમાં પેદા કરેલા ભય, એરફોર્સની અસાધારણ કુશળતા અને આર્મીની બહાદુરીએ ઓપરેશન સિંદૂરમાં માત્ર ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાનને ઘૂંટણીયે લાવી દીધું.
વડાપ્રધાને ઉમેર્યું સ્વદેશી બનાવટનું આ વિમાનવાહક જહાજ ‘આત્મનિર્ભર ભારત’નું શક્તિશાળી પ્રતીક છે. આ જહાજ સાથે નેવીએ ગુલામીના પ્રતીકનો ત્યાગ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવા અને કારવારના દરિયા કિનારે આઈએનએસ વિક્રાંત પર બહાદુર સશસ્ત્રદળોના જવાનો સાથે દિવાળી ઊજવી હતી. તેમણે કહ્યું, આજનો આ દિવસ અદ્ભૂત છે. આ ક્ષણ યાદગાર છે. આજે મારી એકબાજુ અથાગ સમુદ્ર છે અને બીજીબાજુ મા ભારતીના વીર જવાનોનું અથાગ સામર્થ્ય છે. આઈએનએસ વિક્રાંત પર પસાર કરેલી રાત અંગેના અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. સમુદ્રની ગાઢ રાત અને સવારના સૂર્યોદયે મારી દિવાળીને અનેક દૃષ્ટિએ વિશેષ બનાવી દીધી છે. કોચિન શિપયાર્ડમાં બનાવેલા વિમાનવાહક જહાજ પર મિગ-૨૭ વિમાનોએ તેમની કુશળતા દર્શાવી હતી.
તેમણે જણાવ્યું કે, મને યાદ છે જ્યારે આઈએનએસ વિક્રાંત નેવીને સોંપાઈ રહ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે, વિક્રાંત વિશિષ્ટ છે, વિશષ છે. વિક્રાંત માત્ર એક યુદ્ધજહાજ નથી, પરંતુ ૨૧મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. તેમણે ઉમેર્યું કે, થોડા મહિના પહેલા જ આપણે જોયું કે, કેવી રીતે વિક્રાંત નામથી જ આખું પાકિસ્તાન ભયભીત થઈ ગયું હતું. તેનું નામ અને તાકાત જ એવા છે કે યુદ્ધ શરૂ થતા પહેલાં જ દુશ્મનનો બધો જ ઉત્સાહ જતો રહે. તેમણે ઉમેર્યું કે, યુદ્ધના સમયે દુશ્મન સામે હોય ત્યારે પોતાના બળે લડાઈ લડવાની તાકાત હોય તેનું પલ્લુ હંમેશા યુદ્ધમાં ભારે રહે છે. તેણે સંરક્ષણ સાધનો માટે અન્યો પર નિર્ભર નથી રહેવું પડતું. આથી જ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું અત્યંત જરૂરી છે.
વડાપ્રધાને કહ્યું કે, સૈન્યોના સશક્ત હોવા માટે તેમનું આત્મનિર્ભર હોવું જરૂરી છે. પાછલા એક દાયકાથી આપણા સૈન્ય ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. આપણી સેનાઓએ હજારો વસ્તુઓની યાદી બનાવી છે કે આ સામાન બહારથી નહીં મંગાવીએ. પરિણામે એ આવ્યું કે સૈન્ય માટે જરૂરી મોટાભાગનો સામાન દેશમાં જ તૈયાર થઈ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, ૧૧ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન ત્રણ ગણાથી વધુ રૂ. ૧.૫ લાખ કરોડને પાર થઈ ગયું છે. ૨૦૧૪થી અત્યાર સુધીમાં આપણા શિપયાર્ડે ૪૦થી વધુ યુદ્ધજહાજ અને સબમરીન બનાવ્યા છે. આપણું લક્ષ્ય ભારતને દુનિયાના ટોચના સંરક્ષણ ઉત્પાદક નિકાસકાર દેશોમાં સામેલ કરવાનું છે. દુનિયાના અનેક દેશ બ્રહ્મોસ અને આકાશ મિસાઈલ ખરીદવા માગે છે. બ્રહ્મોસના નામથી જ કેટલાકના મનમાં ડર પેદા થઈ જાય છે. તેમણે સંરક્ષણ સ્ટાર્ટઅપની મોટી ભૂમિકા પર ભાર મૂક્યો અને કહ્યું કે, આપણા સ્વદેશી સંરક્ષણ એકમો અને સ્ટાર્ટઅપ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યા છે. ભારતે આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણે સૈન્ય માટે શસ્ત્રો અને ઈક્વિપમેન્ટની નિકાસ કરવાની ક્ષમતા વિકસાવી લીધી છે.