Hyundai Genesis GV90: હ્યુન્ડાઇ મોટર ગ્રુપની લક્ઝરી બ્રાન્ડ જિનેસિસ (Genesis)એ અત્યાર સુધીની પોતાની સૌથી મોટી, લક્ઝરી અને પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV GV90 રજૂ કરી છે. આ એક ફુલ-સાઇઝ ઇલેક્ટ્રિક SUV છે, જેને માર્કેટમાં રેન્જ રોવર, મર્સિડીઝ-મેબેક GLS અને રોલ્સ-રોયસ કલિનન જેવી અત્યંત મોંઘી અને લક્ઝરી કારને ટક્કર આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ દુનિયાની પહેલી કાર હશે, જેના રૂફમાં એરબેગ્સ આપવામાં આવ્યા છે. કાર પલટી જવાની સ્થિતિમાં આ લોકોની સુરક્ષા કરશે. આવો તમને તેની ખાસિયતો વિશે વિગતવાર જણાવીએ.
Rolls-Royce જેવા અનોખા કોચ ડોર્સ
- B-પિલર વિનાની ડિઝાઇન – તેના નિયોલન (Neolun) વેરિઅન્ટમાં આગળ અને પાછળના દરવાજા વિપરીત દિશામાં ખુલે છે. બંને દરવાજાની વચ્ચે કોઈ સામાન્ય પિલર (B-પિલર) નથી, જેના કારણે કારની અંદર ચઢવું-ઉતરવું ખૂબ સરળ બની જાય છે.
- 180 ડિગ્રી ફરતી સીટ્સ – કાર પાર્ક કરવામાં આવશે ત્યારે તેની ફ્રન્ટ સીટ્સ 180 ડિગ્રી ફરીને પાછળ બેઠેલા મુસાફરોની સામે આવી શકે છે, જેના કારણે કેબિનમાં લાઉન્જ જેવું વાતાવરણ બને છે.
- મજબૂત માળખું – સુરક્ષા માટે દરવાજામાં હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ બીમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનો રોલ-કેજ સામાન્ય કાર કરતાં 1.5 ગણો વધારે મજબૂત છે.
મોટી બેટરી અને પાવરફુલ પરફોર્મન્સ
- સાઇઝ – તેની લંબાઈ 5,285 mm અને વ્હીલબેઝ 3,245 mm છે, જે તેને હ્યુન્ડાઇની Ioniq 9 કરતાં પણ ઘણી મોટી બનાવે છે.
- પાવર – તેમાં બે ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે મળીને 657 bhp (490 kW)ની પાવર અને 800 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ સાથે આવે છે.
- બેટરી અને રેન્જ – તેમાં 123.5 kWhની મોટી બેટરી લગાવવામાં આવી છે, જે હ્યુન્ડાઇ ગ્રુપમાં અત્યાર સુધીની સૌથી મોટી છે. તે એક વખત ફુલ ચાર્જ થયા બાદ લગભગ 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે.
- ફાસ્ટ ચાર્જિંગ – 350 kWના DC ફાસ્ટ ચાર્જરથી તેને 10%થી 80% સુધી ચાર્જ થવામાં માત્ર 22 મિનિટ લાગે છે.
કારની અંદર સિનેમા હૉલ જેવો આનંદ
- પોપ-અપ ડિસ્પ્લે – ડેશબોર્ડ પર 23.6-ઇંચની OLED સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે કાર પાર્ક હોય છે, ત્યારે આ સ્ક્રીન 90 mm ઉપર ઊઠીને 24.6-ઇંચના મોટા એન્ટરટેઇનમેન્ટ ડિસ્પ્લેમાં બદલાઈ જાય છે.
- સાઉન્ડ અને AI – તેમાં ડોલ્બી એટમોસ સાથે 25-સ્પીકરવાળી બેંગ એન્ડ ઓલુફસેન સાઉન્ડ સિસ્ટમ અને જનરેટિવ AI આસિસ્ટન્ટ આપવામાં આવ્યું છે.
- સાઉન્ડપ્રૂફ કાચ – કેબિનને સંપૂર્ણપણે શાંત રાખવા માટે 5 mmથી વધુ જાડા સાઉન્ડપ્રૂફ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- અલ્ટ્રા-લક્ઝરી 4-સીટર ટોપ વેરિઅન્ટ – તેના 4-સીટર ટોપ વેરિઅન્ટમાં લાકડાથી બનેલું ફ્લોર આપવામાં આવ્યું છે, જે કોરિયન પરંપરાગત ઓન્ડોલ (Ondol) અન્ડરફ્લોર હીટિંગ સિસ્ટમ પર આધારિત છે. આ ઉપરાંત તેમાં નાનું ફ્રિજ, ફોલ્ડિંગ ટેબલ અને મસાજ સીટ્સ જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
દુનિયાની પહેલી રૂફ એરબેગ
સુરક્ષાના મામલે તેમાં 12 એરબેગ આપવામાં આવ્યા છે. તેમાં દુનિયાની પહેલી રૂફ એરબેગ પણ સામેલ છે, જે કાર પલટી જવાની સ્થિતિમાં કાચની છતની ઉપર ખુલીને અંદર બેઠેલા મુસાફરોના માથા અને ગરદનને સુરક્ષિત રાખે છે.
શું આ ભારતમાં આવશે?
હ્યુન્ડાઇએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે જિનેસિસ બ્રાન્ડ 2027માં ભારતમાં એન્ટ્રી કરશે. શરૂઆતમાં ભારતમાં GV80 SUV જેવી કાર આવવાની અપેક્ષા છે. જોકે GV90 ઘણી મોટી અને મોંઘી છે, તેથી તેના ભારતમાં આવવા અંગે હજુ સસ્પેન્સ યથાવત છે.

