Bank deposit insurance 10 lakh guarantee: બેન્કો પર જ્યારે નાણાકીય સંકટ આવે છે, ત્યારે સૌથી વધુ સમસ્યા અને ચિંતાના વાદળ તેના ખાતાધારકો પર મંડરતાં હોય છે. અમુક બેન્કો પાસે પર્યાપ્ત રકમ પણ ન હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જેથી ખાતેદારોને પોતાના જમા નાણાં પરત મળશે કે નહીં, તેની ચિંતા સતાવતી હોય છે. આરબીઆઈ આ ચિંતાને ધ્યાનમાં લેતાં તાજેતરમાં બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સની રકમ વધારવા વિચારણા કરી રહી છે.
ઈન્સ્યોરન્સ કવર વધારવાની તૈયારી
ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (DICGC) દ્વારા બેન્ક એકાઉન્ટમાં જમા રૂ. 5 લાખ સુધીની ડિપોઝિટ સુરક્ષિત છે. પરંતુ કોઈ એકાઉન્ટમાં તેનાથી વધુ રકમ જમા હોય તો નાણાં પરત મળવાની શક્યતાઓ નહિંવત્ત બને છે. બેન્કોમાં જમા નાણાં પર રૂ. 5 લાખ સુધીનું ડિપોઝિટ કવર મળે છે. તેનાથી વધુ રકમની સુરક્ષાની ખાતરી મળતી નથી. આરબીઆઈ આ મર્યાદા વધારી રૂ. 10 લાખ કરવા વિચારણા કરી રહી છે. જેનો નિર્ણય ટૂંકસમયમાં જાહેર થઈ શકે છે.
બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ શું છે?
બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એક પ્રકારની ગેરેંટી છે. આનો અર્થ એ થયો કે જો કોઈ બેન્ક નાદારી નોંધાવે, તેને તાળા વાગે તો બેન્કમાં જમા નાણાની એક નિશ્ચિત રકમ સુરક્ષિત રહેશે અને ગ્રાહકોને તે પાછી મળશે. અત્યાર સુધી, આ ઈન્સ્યોરન્સ કવરેજ રૂ. 5 લાખ સુધીની થાપણો પર ઉપલબ્ધ છે. જેનો નિર્ણય પાંચ વર્ષ પહેલાં લેવાયો હતો.
આ ફેરફાર આવશે
એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર આગામી છ મહિનામાં આ વીમાની મર્યાદા વધારવા વિચારી રહી છે. જોકે, નવી મર્યાદા કેટલી વધારવામાં આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ અધિકારીએ સ્પષ્ટપણે સૂચવ્યું કે આ મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે જો ભવિષ્યમાં કોઈ બેન્ક નાદારી નોંધાવે, તો તમને રૂ. 10 લાખ સુધીની રકમ પર કોઈ જોખમ રહેશે નહીં. આ ઈન્સ્યોરન્સ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) નામની સંસ્થા દ્વારા પૂરો પાડવામાં આવે છે. જે તમામ પ્રકારના ડિપોઝિટ ખાતાને આવરી લે છે. તેમાં બચત ખાતા, ચાલુ ખાતા અને કોમર્શિયલ અને સહકારી બેન્કોમાં રાખવામાં આવતી તમામ પ્રકારની થાપણો સમાવિષ્ટ છે.