UPI transaction rule change 2025: ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમ જાહેર કર્યા છે. આ નવો નિયમ 30 જૂન, 2025થી લાગુ થશે. ત્યારબાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની રીત બદલાઈ જશે. યુઝર્સ ફ્રોડથી પણ બચી શકશે.
હવે બેન્કમાં રજિસ્ટર્ડ નામ દેખાશે
અત્યારસુધી યુપીઆઈ મારફત થતાં પેમેન્ટમાં આપણને ફોનમાં સેવ કરેલા નામ પ્રમાણે નામ દેખાતા હતાં. જેનાથી ઘણીવાર ફ્રોડ થવાની સંભાવના વધી જાય છે. સ્કેમર્સ નકલી નામ અને ફોટોનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકે છે. આથી હવે જે-તે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે બેન્કમાં તે યુઝરનું રજિસ્ટર્ડ નામ જ દેખાશે. જેથી યોગ્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ રહ્યા હોવાની ખાતરી મળશે. પ્રત્યેક ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં એપ પોતે જ રિસિવરનું બેન્કમાં રજિસ્ટર્ડ નામ બતાવશે.
ક્યાં ક્યાં લાગુ થશે આ નિયમ?
પર્સન ટૂ પર્સન (P2P): જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પેમેન્ટ કરે છે.
પર્સન ટૂ મર્ચન્ટ (P2M): જ્યારે કોઈ દુકાનદાર, કેફે તથા કોઈપણ સેવા માટે પેમેન્ટ કરવામાં આવે.
નવી સિસ્ટમનો લાભ
પેમેન્ટ કરતી વખતે રિસિવરનું વાસ્તવિક, બેન્કમાં રજિસ્ટર્ડ નામ જોવા મળશે. જેથી ફ્રોડ કરનારાઓની ઓળખ છતી થશે. ભૂલથી પણ ખોટા કે નકલી યુઝરના ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે નહીં. આ બદલાવ ડિજિટલ પેમેન્ટની વિશ્વસનીયતામાં વધારો કરશે. યુઝરે આ સિસ્ટમ લાગુ થયા બાદ કોઈપણ પેમેન્ટ કરતાં પહેલાં એપ પર દર્શાવવામાં આવતું નામ ધ્યાનથી વાંચવું. જેથી અજાણ્યા અને ફ્રોડ કરનારાઓના ખાતામાં પેમેન્ટ ન થાય. અજાણ્યા ક્યુઆર કોડને પણ સ્કેન કરવો નહીં. જો કોઈ મુશ્કેલી કે સમસ્યા સર્જાય તો તુરંત પોતાની બેન્ક કે પેમેન્ટ એપની હેલ્પલાઈનનો સંપર્ક કરવો.