Digital Gold New Rules: ડિજિટલ ગોલ્ડ માટે આવતા વર્ષે આવશે નવા નિયમો, રોકાણકારોના હિતોની થશે વધુ સુરક્ષા

Arati Parmar
4 Min Read

Digital Gold New Rules: ડિજિટલ ગોલ્ડ કંપનીઓ માટે તૈયાર થશે રેગ્યુલેટરી ફ્રેમવર્ક, RBI અને નાણાં મંત્રાલય સાથે ચર્ચા તેજ

Digital Gold New Rules: ગોલ્ડને લઈને રેગ્યુલેટરી ફ્રેમવર્ક આવતા વર્ષની શરૂઆતમાં જ અમલમાં આવી શકે છે. તેને લઈને ડિજિટલ પ્રેશિયસ મેટલ્સ એશ્યોરન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (DPMACI)એ છેલ્લા એક મહિનામાં નાણાં મંત્રાલય, રિઝર્વ બેંક (RBI) અને ઉપભોક્તા બાબતોના મંત્રાલય સાથે અનેક તબક્કાની ચર્ચા કરી છે. નિયમોનો મુખ્ય હેતુ રોકાણકારોને નાણાં લઈને ભાગી જતી કંપનીઓથી સુરક્ષિત રાખવાનો છે.

DPMACIની ચેરપર્સન નિરુપમા સુંદરરાજને જણાવ્યું હતું, “ડિજિટલ ગોલ્ડ કંપનીઓ માટે એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરવા અંગે ચર્ચા ચાલી રહી છે, જેથી ગ્રાહકોના હિતોની સુરક્ષા કરી શકાય. છેતરપિંડી કરતી કંપનીઓને લોકોને ઠગવાની તક ન મળે. અમને આશા છે કે આવતા વર્ષ સુધીમાં આ નિયમો અમલમાં આવી જશે. ભારતીયોમાં ડિજિટલ ગોલ્ડ રોકાણના એક વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે.”

- Advertisement -

DPMACIના જણાવ્યા મુજબ, રોકાણકારોએ FY26 દરમિયાન ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા અંદાજે 10 ટન સોનું એકત્ર કર્યું છે. ભારતના નીતિ નિર્માતાઓ નિયમો તૈયાર કરતા પહેલાં અનેક દેશોના મોડલનો અભ્યાસ કરી શકે છે.

ડિજિટલ ગોલ્ડ શું છે?

ડિજિટલ ગોલ્ડ દ્વારા લોકો ફિનટેક એપ્સ અને ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર 24 કેરેટ સોનું ખરીદી અને વેચી શકે છે. તેમાં 10 અથવા 100 રૂપિયા જેવા ખૂબ નાના રોકાણથી પણ શરૂઆત કરી શકાય છે. આ પ્લેટફોર્મ્સ દાવો કરે છે કે તેઓ ગ્રાહકોના બદલામાં એટલું જ અસલી સોનું સુરક્ષિત વોલ્ટમાં જમા રાખે છે. બાદમાં રોકાણકાર તેને ડિજિટલ રીતે વેચી શકે છે અથવા અસલી સોનાની ડિલિવરી પણ મંગાવી શકે છે.

- Advertisement -

કંપનીઓ માટે શું રહેશે ફરજિયાત?

સુંદરરાજને જણાવ્યું કે નવા ફ્રેમવર્ક હેઠળ કંપનીઓ માટે એ ફરજિયાત રહેશે કે ગ્રાહકો પાસે જેટલું ડિજિટલ સોનું અથવા ચાંદી હશે, તેના બદલામાં કંપનીઓ પાસે એટલું જ અસલી મેટલ ઉપલબ્ધ હોવું જોઈએ. તેની ખાતરી કરવા માટે સમયાંતરે બહારની એજન્સી દ્વારા ઑડિટ કરવામાં આવશે, જેથી રિઝર્વમાં રહેલું સોનું ગ્રાહકોના બેલેન્સ સાથે મેળ ખાતું હોવાનું સુનિશ્ચિત થઈ શકે. આ સોનું લંડન, UAE અથવા ભારતીય ધોરણો અનુસાર હોવું જોઈએ.

  • FY26 દરમિયાન રોકાણકારોએ ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા 10 ટન સોનું ખરીદ્યું.
  • ડિજિટલ ગોલ્ડમાં રોકાણની શરૂઆત 10 અથવા 100 રૂપિયાથી કરી શકાય છે.

અસલી સોનાનું શું થશે?

ગ્રાહકોના હિતોને સુરક્ષિત રાખવા માટે નિયમોમાં સોનાને સુરક્ષિત રાખવું, તેનો વીમો કરાવવો અને જરૂરી માહિતી જાહેર કરવાની શરતો પણ નક્કી કરવામાં આવી છે. ગ્રાહકોની સંપત્તિ એક સ્વતંત્ર ટ્રસ્ટીની દેખરેખ હેઠળ અલગ ખાતાઓમાં રાખવામાં આવશે. અસલી મેટલ સુરક્ષિત વોલ્ટમાં જ રહેશે. ટ્રસ્ટી સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી છે કે જો કોઈ કંપની દિવાળિયા પણ થઈ જાય તો પણ ગ્રાહકોનું સોનું સંપૂર્ણપણે સુરક્ષિત રહે. DPMACI ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ સિસ્ટમ બનાવવાની દિશામાં પણ કામ કરશે.

- Advertisement -

SEBIની ચેતવણી

DPMACIની રચના SEBIની તે ચેતવણી બાદ કરવામાં આવી હતી, જેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે હાલમાં ડિજિટલ ગોલ્ડ કોઈપણ સરકારી નાણાકીય ઓથોરિટીના નિયમન હેઠળ આવતું નથી. DPMACIની સ્થાપના ત્રણ મહિના પહેલાં સેફગોલ્ડ, MMTC-PAMP, ઓગમોન્ટ જેવી કંપનીઓ તેમજ PhonePe અને ગુલ્લક જેવા ફિનટેક પ્લેટફોર્મ્સે મળીને કરી હતી. આ આ સમગ્ર ઇન્ડસ્ટ્રીની પોતાની રેગ્યુલેટરી સંસ્થા છે. ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે તુર્કી, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ચીન જેવા દેશોમાં ડિજિટલ ગોલ્ડની વ્યવસ્થા ખૂબ મજબૂત છે.

Share This Article