બાંદ્રા વિસ્તારમાં શનિવારે રાતે બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે તેમની સાથે માત્ર એક કોન્સ્ટેબલ હાજર હતો. દશેરા નિમિત્તે ફટાકડા ફૂટી રહ્યા હતા ત્યારે બાબા સિદ્દીકી પર ગોળીબાર કરાયો હતો.
નિર્મલનગરમાં પુત્ર જીશાનની ઓફિસ બહાર સિદ્દીકી પર છ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાંથી બે બુલેટ તેમની છાતીમાં વાગી હતી. સિદ્દીકીને બિન-વર્ગીકૃત સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. ગોળીબારમાં ઘવાયેલા સિદ્દીકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને તપાસી મૃત જાહેર કરાયા હતા.
બિન-વર્ગીકૃત સુરક્ષા હેઠળ સિદ્દીકીને ત્રણ કોન્સ્ટેબલ પૂરા પાડવામાં આવ્યા હતા. સુરક્ષા માટે હાજર બે કોન્સ્ટેબલને સાંજે છોડી દેવાયા હતા અને સિદ્દીકી જ્યારે રાતે ઘરે જવા નીકળ્યા ત્યારે તેમની સાથે એક જ કોન્સ્ટેબલ હતો. આરોપીઓએ જ્યારે ગોળીબાર કર્યો ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે દશેરા અને દેવીની મૂર્તિના વિસર્જનના સરઘસના ભાગરૂપે ફટાકડા ફોડવાનો અવાજ હશે, એમ પોલીસે જણાવ્યું હતું.

