Rishabh Tandon Death: અભિનેતા અને ગાયક ઋષભ ટંડનનું 35 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, મનોરંજન જગતમાં શોક

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Rishabh Tandon Death: જાણીતા અભિનેતા અને ગાયક ઋષભ ટંડનનું 22 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં નિધન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. ઋષભની ટીમના સભ્યએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના અચાનક અવસાનથી મનોરંજન જગત અને તેમના ચાહકોમાં શોકનો માહોલ છે. હાલમાં 10 ઓક્ટોબરે જ તેમણે પરિવારજનો સાથે પોતાનો 35મો જન્મદિવસ ઊજવ્યો હતો.

પરિવાર સાથે દિવાળી મનાવવા આવ્યા હતા 

- Advertisement -

ઋષભ મુંબઈમાં તેની પત્ની સાથે રહેતા હતા, પરંતુ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે તેઓ દિલ્હી આવ્યા હતા. બીજી તરફ, તેમના પરિવારે આ મુશ્કેલ સમયમાં પ્રાઈવેસી જાળવવાની માંગ કરી છે. તેમના અંતિમ સંસ્કાર હજુ કરવામાં આવ્યા નથી.

કોણ હતા ઋષભ ટંડન? 

ઋષભ ટંડન વ્યવસાયે એક ગાયક, સંગીતકાર અને અભિનેતા હતા. તેઓ તેમના શાંત સ્વભાવ અને સંગીત પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. તેમણે 2008માં ટી-સિરીઝના આલ્બમ ‘ફિર સે વહી’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘ફકીર- લિવિંગ લિમિટલેસ’ અને ‘રશના: ધ રે ઓફ લાઇટ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના હિટ ગીતોમાં ‘યે આશિકી’, ‘ચાંદ તુ’ અને ‘ધૂ ધૂ કર કે’નો સમાવેશ થાય છે. તેઓ એક મોટા પશુપ્રેમી પણ હતા.

એક સમયે જાણીતી અભિનેત્રી સાથે નામ જોડાયું હતું 

એક સમયે ઋષભનું નામ અભિનેત્રી સારા ખાન સાથે જોડાયું હતું, પરંતુ બાદમાં બંનેએ લગ્નના સમાચારોને અફવા ગણાવી હતી. ઋષભે રશિયન મૂળની Olesya Nedobegova સાથે માર્ચ 2023માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક ફિલ્મના સેટ પર થઈ હતી. તાજેતરમાં જ બંનેએ સાથે કરવા ચોથનો તહેવાર પણ મનાવ્યો હતો.

Share This Article