ચોબારી , તા. 8 : કચ્છ તેની અનેક વિશેષતા અને વિવિધતાના કારણે પ્રસિદ્ધ બન્યું છે. જંગલી જાનવરો, પક્ષીઓ થકી પણ એટલું જ વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે. તે પછી કચ્છના નાનાં રણમાં વસવાટ કરતા ઘુડખર હોય કે નલિયા પાસેના ઘોરાડ હોય કે પછી રા લાખેજાનીના નામે ઓળખાતા સુરખાબ હોય. કચ્છનાં મોટા રણ બાદ વાગડનાં રણમાં સુરખાબ માટે બ્રીડિંગ સાઈટ બનાવવામાં આવી છે, પરંતુ કચ્છનાં નાનાં રણમાં જે રીતે નમકના એકમો ધમધમે છે, તે રીતે વાગડના છેવાડાના રણમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમવાની ગતિવિધિઓ આરંભાઈ છે, ત્યારે સુરખાબ વસાહત ઉપર ખતરો ઊભો થાય તેવી દહેશત સર્જાઈ છે. આ ગતિવિધિ અટકે તે માટે આરંભથી જ જાગૃતિ આદરવામાં આવે તેવી માંગ પક્ષીપ્રેમીઓમાં પ્રબળ બની છે.

નાના અને મોટા સુરખાબની ભારતમાં ચાર બ્રીડિંગસાઈટ છે.કચ્છનાં મોટાં રણમાં આવેલી ફલેમિંગો સિટી છે. છેલ્લા કેટલાક સમયથી ફલેમિંગો સિટીમાં ખલેલ પહોંચી હતી અને કુદરતી રીતે પણ પાણીના મારાથી ધોવાણ થતાં ઊંચાણવાળો જમીનનો ભાગ નીચો થઈ ગયો છે, તેના કારણે પ્રતિકુળતા સર્જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પૂર્વ કચ્છના લોદ્રાણી નજીક કુડા બી.એસ.એફ સીમા ચોકીથી સરહદ તરફ જતા રસ્તે રણની વચોવચ્ચ લાખોની સંખ્યામાં સુરખાબ અહી ઈંડાં મૂકે છે અને લાખોની સંખ્યામાં રૂપકડાં પક્ષીના બચ્ચાં ફોડે છે. 17 વર્ષ પહેલાં આ લખનારે આ સાઈટ જોઈ હતી, પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે જાહેર કરી ન હતી. ખાસ કરીને ગ્રેટર ફલેમિંગો અહીં મોટા પ્રમાણમાં જોવા મળે છે. જો કે, નાના અને મોટા એમ બન્ને પક્ષીઓની વસાહત અહી આવેલી છે. કેટલાક સમય પહેલાં વન વિભાગ દ્વારા અહીં રણની વચોવચ્ચ ટેકરા પણ કરવામાં આવ્યા હતા તેમજ જૂના સરહદ તરફ જતા બિનઉપયોગી રસ્તા ઉપર પણ વસાહત આવેલી છે. પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પણ રણ વેચાતું લેવા માટે કંપનીઓ પૂર્વ કચ્છના આ રણ સુધી પહોંચી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
ચારથી પાંચ જેટલી કંપની દ્વારા એકમો સ્થાપવા માટેની કવાયત આદરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે અને હેલિકોપ્ટર મારફત રેકી પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જો આ રણ વેંચાઈ જાય તો પક્ષીઓ ઉપર મોતના ખતરાની ઘંટડી વાગી જશે. પર્યાવરણ પ્રેમીઓ,પક્ષીવિદો્, વાગડવાસીઓ જાગૃત નહીં થાય તો કચ્છને વિશ્વસ્તરે ઓળખ અપાવનારી આ પક્ષીની જાત નહીં રહે અને ઘોરાડની જેમ લુપ્ત થઈ જશે. લોદ્રાણીથી ઉત્તરે આવેલી કુડા ચેકપોસ્ટથી 22 કિલોમીટરનો રણ વિસ્તાર વન વભાગની હદમાં આવે છે, તો વન વિભાગ કેમ ચૂપ છે, તેવો સવાલ જાગૃત નાગરિકો ઊઠાવી રહ્યા છે. જો મોટી કંપની આવી, તો અતિ સંવેદનશીલ સુરખાબ કાયમી ધોરણે ચાલ્યાં જશે. માણસોની સામાન્ય હલચલને કારણે પણ આ પક્ષી ચાલ્યાં જાય છે, ત્યારે આ વિસ્તારમાં મોટા ઉદ્યોગો સ્થપાશે, તો સુરખાબ ઉપરાંત અન્ય વન્ય પ્રાણીઓ માટે પણ મોટું જોખમ ઊભું થવાની દહેશત છે.
આ રણનો 23-26 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વેંચાઈ ગયો હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. આ માટે પર્યાવરણવાદીઓએ અને પક્ષીપ્રેમીઓએ આ વસાહતને નષ્ટ થતી બચાવવા ઝુંબેશ છેડવી પડશે. નખત્રાણા પાસેના કીરા ડુંગરની આસપાસ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના ચરિયાણ અને રહેઠાણ પણ ઉદ્યોગોના હવાલે થયાના અહેવાલો બહાર આવ્યા હતા. આવી જ રીતે જો ચાલ્યા રાખશે, તો કચ્છનું પર્યાવરણ, અને પ્રકૃતિ, પશુ-પક્ષીઓ એક પણ બચશે નહીં. નાનાં રણ અને ઘુડખર અભયારણ્યમાં રણની જમીન હડપ કરવા માટે માનવીનો પણ ભોગ લેવાઈ રહ્યો છે, ત્યારે અભયારણ્યની રક્ષણની જવાબદારી જેના શીરે છે, તેવો વન વિભાગ મુકપ્રેક્ષક થઈને જોઈ રહ્યો છે, કોની લાચારી છે ? કોના ખીસ્સાં ગરમ થાય છે, તેની તપાસ થવી જોઈએ. જેમ દારૂના હાટડા ઉપર જનતા રેડ પાડવામાં આવે છે, તેમ હવે વનતંત્રની પોલ પણ જનતા ખોલે તે માટેનો સમય આવી ગયો છે. વાગડનું રણ વેંચાઈ જાય તે પહેલાં સફાળા જાગવાની જરૂર હોવાનો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

