Botad Train Derailment Conspiracy: બોટાદમાં ટ્રેન પાટા પરથી ઉતારી મુસાફરોને લૂંટવાનું કાવતરું, બે દોષિતોને આજીવન કેદ

Arati Parmar
2 Min Read

દેવું ચૂકવવા ટ્રેન દુર્ઘટના કરાવવાનું કાવતરું રચ્યું, યુટ્યુબ પર 8થી 10 દિવસ સુધી વીડિયો જોયા

Botad Train Derailment Conspiracy: બોટાદની જિલ્લા અદાલતે ટ્રેનને પાટા પરથી ઉતારી મુસાફરોને લૂંટવાનું ખતરનાક કાવતરું રચનારા બંને દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. બંને દેવામાં ડૂબેલા હતા અને આર્થિક તંગીમાંથી બહાર નીકળવા માટે આ કાવતરું રચ્યું હતું.

ઓખા-ભાવનગર એક્સપ્રેસ (19210) ટ્રેનને 25 સપ્ટેમ્બર 2024ની રાત્રે આશરે 3 વાગ્યે રાણપુર તાલુકાના કુંડળી રેલવે સ્ટેશનથી લગભગ બે કિલોમીટર દૂર આરોપીઓએ રેલવે ટ્રેક પર ચાર ફૂટ લાંબો લોખંડનો ગર્ડર ઊભો રાખીને પાટા પરથી ઉતારવાનું કાવતરું રચ્યું હતું.

- Advertisement -

આરોપી રમેશ કાંજી સાળિયા (55) અને જયેશ ઉર્ફે જાલો નગરભાઈ બાવળિયા (24) બંને પર દેવું હતું. દેવું ચૂકવવા માટે તેમણે ટ્રેનને પાટા પરથી ઉતારીને ઘાયલ મુસાફરોને લૂંટવાની યોજના બનાવી હતી. આ કાવતરા માટે બંનેએ 8થી 10 દિવસ સુધી યુટ્યુબ પર ટ્રેનને પાટા પરથી ઉતારવા અને લૂંટફાટના વીડિયો જોયા હતા.

આ ઘટનામાં ટ્રેન લોખંડના ટુકડા સાથે અથડાઈ હતી, જેના કારણે એન્જિનનું એર પ્રેશર લીક થઈ ગયું અને એન્જિન બંધ પડી ગયું. ટ્રેન પાટા પરથી ઉતરી નહોતી, જેથી મોટો અકસ્માત ટળી ગયો હતો. યોજના નિષ્ફળ જતાં બંને આરોપીઓ નજીકના કપાસના ખેતરમાંથી મોટરસાઇકલ પર સવાર થઈને ભાગી ગયા હતા.

- Advertisement -

બોટાદ પોલીસ સાથે રેલવે પોલીસ, LCB, SOG, ગુજરાત ATS અને NIAની ટીમોએ સંયુક્ત તપાસ કરીને 1 ઑક્ટોબર 2024ના રોજ આરોપીઓને ધરપકડ કરી હતી.

સરકારી વકીલે જણાવ્યું કે આ કેસમાં 15 પ્રત્યક્ષદર્શી સાક્ષીઓનાં નિવેદનો અને 55 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. લોકો પાઇલટનું નિવેદન, રેલવે ટ્રેક પર મળેલો લોખંડનો ટુકડો અને આરોપીઓના મોબાઇલમાંથી મળેલો યુટ્યુબ સર્ચ ઇતિહાસ મહત્ત્વના પુરાવા બન્યા હતા.

- Advertisement -

અદાલતે બંનેને ભારતીય ન્યાય સંહિતા, રેલવે અધિનિયમ અને જાહેર સંપત્તિને નુકસાન થતું અટકાવવાના અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદ અને દંડની સજા સંભળાવી હતી.

Share This Article