Gujarat Local Body Election Results: ચૂંટણી પરિણામ 2026: અમદાવાદ, વડોદરા અને જામનગરમાં ભાજપની પેનલોનો દબદબો

Arati Parmar
3 Min Read

Gujarat Local Body Election Results: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત સાબિત કરી છે. અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા ૨૦ વર્ષથી અને સુરત, વડોદરા, જામનગર તથા ભાવનગરમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે, જે આ વખતે પણ યથાવત રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી છે, જ્યારે બાપુનગર વોર્ડમાં ભાજપના ૩ અને કોંગ્રેસના ૧ ઉમેદવારનો વિજય થતા ત્યાં પેનલ તૂટી છે. રાજ્યની ૧૫ પૈકી ૧૧ મનપામાં તો ૪૩ બેઠકો પર ભાજપના ઉમેદવારો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા.

વડોદરા અને જામનગરમાં કેસરીયો લહેરાયો

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ ૪, ૭ અને ૧૩ માં ભાજપની આખી પેનલ વિજયી બની છે. જોકે, વોર્ડ ૧૬ માં રસાકસી બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બે-બે બેઠકો વહેંચાઈ છે. જામનગરની વાત કરીએ તો કુલ ૬૪ બેઠકોમાંથી ભાજપે ૧૭ બેઠકો પર જીત મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સુધી ખાતું ખોલાવી શક્યા નથી. જામનગર કોર્પોરેશનમાં ભાજપના ઉમેદવારો જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતા ત્યાં પણ ભાજપની સત્તા નિશ્ચિત જણાય છે.

- Advertisement -

ભાવનગર અને વાપીમાં વિરોધ પક્ષોના સુપડા સાફ

ભાવનગર મહાનગરપાલિકાની ૫૨ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ૧૬ બેઠકો પર ભાજપે કબજો જમાવી દીધો છે. વોર્ડ નંબર ૧ માં ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને નીરલબેન સિદ્ધપુરા સહિતની આખી પેનલ વિજેતા બની છે. બીજી તરફ, વાપી મહાનગરપાલિકામાં વોર્ડ ૧ થી ૯ માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, જ્યારે માત્ર વોર્ડ ૧૦ માં કોંગ્રેસની પેનલ જીતવામાં સફળ રહી છે. વાપીમાં વોર્ડ ૧૨ માં અપક્ષની પેનલ જીતી હોવા છતાં, સમગ્ર કોર્પોરેશન પર ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો છે.

ગાંધીધામ અને ભુજમાં ભાજપની મજબૂત આગેકૂચ

કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાની ૫૨ બેઠકો પૈકી ભાજપ ૧૭ બેઠકો સાથે મોખરે છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૪ બેઠકો મેળવી શકી છે. ભુજ નગરપાલિકાની ૪૪ બેઠકોમાં પણ ભાજપ ૨૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ છે, જ્યારે કોંગ્રેસને ૯ અને AIMIM ને ૩ બેઠકો મળી છે. નડિયાદમાં પણ વોર્ડ ૧, ૨, ૬, ૭, ૧૦ અને ૧૧ માં ભાજપની પેનલો જીતી છે. અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ મુજબ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ વિજયી બનીને ઉભરી આવ્યું છે અને વિરોધ પક્ષોના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ગાબડાં પાડ્યા છે.

- Advertisement -
Share This Article