Jamnagar Police Attack: જામનગરમાં નશીલા પદાર્થોના દરોડા દરમિયાન પોલીસ પર હુમલો, હેડ કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઈજા

Arati Parmar
2 Min Read
Jamnagar Police Attack

Jamnagar Police Attack: જામનગર શહેરમાં બાલાજી પાર્ક નજીક પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન હુમલાની ગંભીર ઘટના બની છે. સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે તપાસ અને દરોડા પાડવા પહોંચેલી એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ પર કેટલાક શખસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસ ટીમ સાથે ઘર્ષણ

મળતી માહિતી મુજબ, એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમ સેનાનગર વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે કાર્યવાહી કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

- Advertisement -

આ હુમલામાં ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથા ઉપરાંત શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈ સારવાર શરૂ કરવામાં આવી હતી.

LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

પોલીસકર્મી પર હુમલાની જાણ થતાં જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સિટી ‘C’ ડિવિઝન પોલીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં પોલીસની હાજરી વધારવામાં આવી હતી.

- Advertisement -

આરોપીઓને પકડવા તપાસ તેજ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. LCB, SOG અને DySP સહિતના અધિકારીઓની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ પર હુમલો કરનારા શખસોની ઓળખ કરીને તેમને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં પોલીસની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. જોકે, હુમલામાં સામેલ શખસોની ચોક્કસ સંખ્યા અને તેમની ઓળખ અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

- Advertisement -
Share This Article