Nalin Kotadia Bitcoin extortion case: અમદાવાદની એક સ્પેશિયલ કોર્ટએ 29 ઑગસ્ટ 2025ના રોજ ગુજરાતની રાજનીતિ અને પોલીસ તંત્રને હચમચાવી નાખે એવો ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની લડાઈ પછી પૂર્વ ભાજપ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના ભૂતપૂર્વ એસપી જગદીશ પટેલ, ભૂતપૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કેસની શરૂઆત કેવી રીતે થઈ?
સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટે વર્ષ 2017માં પોતાના સાથી કિરીટ પાલડિયા સાથે મળીને બિટકોઇન ઈન્વેસ્ટમેન્ટ માટે કંપની બનાવી હતી. થોડા સમય પછી આ વ્યવસાય બંધ થયો, પરંતુ 2018માં ભટ્ટ પર આરોપ લાગ્યો કે તેમણે ગેરકાયદે રીતે બિટકોઇનમાં રોકાણ કર્યું.
ફરિયાદ મુજબ, અમરેલી પોલીસે સીબીઆઈના અધિકારીના નામે ડરાવીને શૈલેશ ભટ્ટનું અપહરણ કર્યું, તેમને માર માર્યો અને તેમની પાસેથી 12 કરોડ રૂપિયાનાં બિટકોઇન ઝૂંટવી લીધા. આ સાથે જ તેમને છોડવા માટે વધારાના 32 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી.
કોર્ટમાં શું પુરાવા મળ્યા?
CID ક્રાઈમ તપાસમાં સાબિત થયું કે પોલીસ અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય અને કેટલાક વેપારીઓએ મળીને આ ષડ્યંત્ર રચ્યું હતું.
શૈલેશ ભટ્ટને લઈ જવામાં આવેલા વાહનોના CCTV ફૂટેજ મળ્યા.
મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને ટાવર લોકેશનમાંથી આરોપીઓનો સંપર્ક અને તેમની હાજરી સાબિત થઈ.
આંગડિયા પેઢી મારફતે પૈસા ટ્રાન્સફરના પુરાવા પણ રજૂ થયા.
જ્યારે ઘણાં સાક્ષીઓ બાદમાં પાછા ફર્યા હતા, ત્યારે પણ ટેક્નિકલ પુરાવા અને બાકી રહેલા સાક્ષીઓના નિવેદનોએ આખી ઘટના સ્પષ્ટ કરી.
આરોપીઓનો બચાવ
દોષિતોના વકીલોએ દલીલ કરી કે માત્ર કોલ ડિટેઇલ્સ અને CCTV એ પૂરતા પુરાવા નથી, અને આ કેસમાં રાજકીય બદલો તથા આંતરિક દુશ્મનાવટ છે. છતાં, કોર્ટએ તમામ તથ્યોને ધ્યાનમાં લઈ આરોપીઓને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી.
શૈલેશ ભટ્ટની પૃષ્ઠભૂમિ
આ કેસના ફરિયાદી શૈલેશ ભટ્ટ પોતે પણ વિવાદાસ્પદ રહ્યા છે. તેમના સામે અગાઉ જમીન પચાવવાના કેસો નોંધાયા હતા. 2024માં બિટકનેક્ટ કંપનીમાં કરેલા રોકાણ અને ત્યાંના કર્મચારીઓના અપહરણ મામલે પણ તેમની ધરપકડ થઈ ચૂકી હતી.
આ કેસે સાબિત કર્યું કે રાજકીય પ્રભાવ, પોલીસ તંત્ર અને આર્થિક ફાયદા માટે બનેલા ગઠબંધનો સામે કાયદો અંતે કડક પગલાં લે છે.