Old Bridges in Gujarat Turning Deadly: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજના બે પિલર વચ્ચેનો સ્પાન ધડાકાભેર તૂટી પડતાં વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોના કરુણ મોત થયા છે. આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને ખખડધજ થઈ ગયો હતો.
ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હવે સમગ્ર ગુજરાતમાં અનેક જૂના, જર્જરિત અને જોખમી પુલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે રાજ્યસભામાં આપેલી વિગતો અનુસાર ગુજરાતમાં 28 જૂના પુલનું સમારકામ અથવા નવનિર્માણ ચાલી રહ્યું છે. જોકે ગુજરાતમાં આખરે કેટલા બ્રિજ જોખમી છે તે અંગે સરકારે મૌન ધારણ કર્યું છે.
કચ્છમાં 7 જ મહિનામાં બ્રિજ પર ગાબડાં
કચ્છ સરહદને જોડતો રુદ્રમાતા બ્રિજ સાત મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે છતાં વારંવાર ભંગાણના કારણે તેનું રિપેરિંગ કરવી પડે છે.
સુરતમાં બ્રિજમાં ગાબડું પડતાં લોખંડની પ્લેટ મૂકી સંતોષ માની લેવાયો
સુરતના કામરેજ ખાતે નેશનલ હાઈવે 48 પર તાપી નદીનો પુલ બે વર્ષથી ક્ષતિગ્રસ્ત છે. લોખંડની પ્લેટના સહારે ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. આ પુલ પર 24 કલાક સતત વાહનોની અવરજવર ચાલુ જ રહે છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
50 વર્ષ જૂનો પુલ ભારે વાહનો માટે બંધ
વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઈવેનો કરંજવેરી ગામનો બ્રિજ 10 દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 50 વર્ષ જૂનો આ બ્રિજ અત્યંત જર્જરિત થઈ ચૂક્યો છે. છેલ્લા છ વર્ષથી સરકારને આ બ્રિજ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે.