ચોમાસા પૂર્વે: દાહોદમાં કરા સાથે વરસાદ, ગરમીથી રાહત
અમદાવાદ, 11 એપ્રિલ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરુવારે દાહોદમાં અચાનક વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરુવારે દાહોદના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દાહોદના લીમડી, મીરખેડી સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ત્રણ દિવસમાં રાજ્યનું તાપમાન પણ નીચે આવશે.
આગામી 5 દિવસના હવામાન અંગે માહિતી આપતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 48 કલાક સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ પછી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં અનેક જિલ્લાઓમાં ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાજેતરમાં રાજસ્થાન અને ઉત્તર ભારતના આસપાસના વિસ્તારોની નજીક આવી રહ્યું છે. તેની અસર ગુજરાત પર પણ પડશે. જેના કારણે આકાશ વાદળછાયું રહેશે. 48 કલાક બાદ વરસાદની સંભાવના છે. 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે.
