Vardodara Sardardham PM Modi inauguration: વડોદરામાં વડાપ્રધાનના હસ્તે સરદારધામનું લોકાર્પણ, દેશને આર્થિક રીતે મજબૂત કરવા કરી ખાસ અપીલ

Arati Parmar
3 Min Read
Vardodara Sardardham PM Modi inauguration

Vardodara Sardardham PM Modi inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત રાજ્યના ત્રીજા ‘સરદારધામ’નું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ 150 કરોડના ખર્ચે બનેલા આ સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. આ સંકુલમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આધુનિક તાલીમ અને રહેઠાણની સુવિધા મળશે. વડાપ્રધાને સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરતા જણાવ્યું હતું કે, સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું આ કાર્ય પ્રશંસનીય છે. આ સાથે જ 500 કરોડની ‘સરદારધામ વિદ્યા સહાય યોજના’ દ્વારા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મોટી મદદ મળશે, જે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે.

આર્થિક મજબૂતી માટે ‘વોકલ ફોર લોકલ’ અને બચતની અપીલ

વૈશ્વિક અસ્થિરતા અને આર્થિક પડકારો વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા વડાપ્રધાને જનતાને અત્યંત મહત્વની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વિદેશી મુદ્રાના ભંડારને બચાવવા માટે આપણે આયાતી વસ્તુઓ પર નિર્ભરતા ઘટાડવી પડશે. તેમણે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવાની હાકલ કરી હતી. પીએમ મોદીએ નાગરિકોને ખાદ્ય તેલ અને સોનાના બિનજરૂરી વપરાશ તેમજ ખરીદી પર સંયમ રાખવા સૂચવ્યું હતું, કારણ કે આ ચીજોની આયાત પાછળ દેશની વિદેશી મુદ્રાનો મોટો હિસ્સો ખર્ચાય છે. જો દેશના નાગરિકો સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપશે, તો ભારતીય ઉદ્યોગો મજબૂત થશે અને રૂપિયો વધુ શક્તિશાળી બનશે.

- Advertisement -

ઈંધણની બચત અને નવી જીવનશૈલી અપનાવવા અનુરોધ

દેશના સંસાધનો પર પડતા બોજને ઘટાડવા માટે વડાપ્રધાને પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં કરકસર કરવાની શીખ આપી હતી. તેમણે નાગરિકોને વ્યક્તિગત વાહનોને બદલે મેટ્રો, ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા તેમજ કારપૂલિંગ જેવી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, પર્યાવરણ અને આર્થિક બચત માટે તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રે વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ શૈક્ષણિક સંસ્થાઓને પણ ઓનલાઈન શિક્ષણની દિશામાં આગળ વધવા સૂચવ્યું હતું જેથી બિનજરૂરી પરિવહન અને ખર્ચમાં ઘટાડો કરી શકાય.

સ્વદેશી પર્યટન અને ‘ડેસ્ટિનેશન વેડિંગ’ માટે ભારતને પ્રાધાન્ય

વડાપ્રધાને ભારતના પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે એક નવી દ્રષ્ટિ રજૂ કરી હતી. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે ઉનાળાની રજાઓમાં વિદેશ પ્રવાસ કરવાને બદલે ભારતના જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ. ખાસ કરીને તેમણે ‘ડેસ્ટિનેશન વેડિંગ’ માટે વિદેશ જવાને બદલે ભારતના સ્થળો, જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), ને પસંદ કરવા જણાવ્યું હતું. આનાથી દેશના નાણાં દેશમાં જ રહેશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. પીએમ મોદીએ એનઆરઆઈ ભાઈ-બહેનોને પણ વિદેશી નાગરિકોને ભારત આવવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી, જેથી ભારત વિશ્વનું પ્રવાસન હબ બની શકે.

- Advertisement -

આ પણ વાંચો: Surat AAP Kalu Vaghasia arrested: સુરતમાં AAP નેતા કાળુ વઘાસિયાની ધરપકડ, લગ્નની લાલચે દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ – Newz Cafe

Share This Article