Animal Cruelty Data: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ પહેલીવાર પ્રાણીઓ સાથેની ક્રૂરતા સાથે જોડાયેલા કેસોને પોતાના ‘ક્રાઈમ ઇન ઈન્ડિયા 2024’ રિપોર્ટમાં સામેલ કર્યા છે. આ ડેટા ‘પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960’ હેઠળ નોંધાયેલા કેસો પર આધારિત છે. NCRB રિપોર્ટ અનુસાર 2024 માં પ્રાણીઓ સાથેની ક્રૂરતાના કુલ 9039 કેસ નોંધાયા હતા. આ કેસોમાં 10,312 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાં 10,257 (99.5 ટકા) પુખ્ત પુરુષો હતા. પોલીસે 96.7% કેસોમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આનાથી તપાસના સ્તરે સારી કામગીરી જોવા મળી. તેમ છતાં વર્ષના અંત સુધી 2070 (લગભગ 22.9 ટકા) કેસ બાકી રહ્યા.
અદાલતોમાં પહોંચેલા કેસોમાં સજાનો દર 80.5% રહ્યો, જ્યારે મહાનગરોમાં આ આંકડો 93.3 ટકા સુધી પહોંચી ગયો. આનો અર્થ એ છે કે જે કેસોનો ફેંસલો આવ્યો, તેમાંથી મોટાભાગનામાં પૂરતા પુરાવા મળ્યા. તેમ છતાં અદાલતોમાં 82.2 ટકા કેસ હજુ પણ પેન્ડિંગ છે. કેટલાક કેસ 10 વર્ષથી વધુ સમયથી અટવાયેલા છે. આનાથી ન્યાય પ્રક્રિયામાં વિલંબની સમસ્યા સામે આવી છે.
રિપોર્ટમાં પ્રાણીઓની ચોરીના 8660 કેસ પણ નોંધાયા
રિપોર્ટમાં પ્રાણીઓની ચોરીના 8,660 કેસ પણ નોંધવામાં આવ્યા છે. તેમની કુલ કિંમત આશરે 48.8 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આમાંથી 44.9 ટકા કિસ્સાઓમાં ચોરી થયેલા પ્રાણીઓ રિકવર કરી લેવામાં આવ્યા હતા. આ મિલકત સાથે જોડાયેલા ગુનાઓના રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારું છે.
એનિમલ એક્ટિવિસ્ટ અને સંસ્થાઓના જણાવ્યા મુજબ, NCRB માં આ ડેટા સામેલ થયા પછી હવે દેશભરમાં પ્રાણીઓ વિરુદ્ધના ગુનાઓની દેખરેખ સરળ બનશે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યવાહીનો રેકોર્ડ રાખી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ભવિષ્યમાં વધુ સારા કાયદા અને નીતિઓ બનાવવામાં મદદ મળશે.
પ્રાણીઓ વિરુદ્ધના ગુના રોકવામાં મદદ મળશે
પહેલીવાર અન્ય ક્રાઈમ કેટેગરી સાથે પ્રાણીઓ પર ક્રૂરતાના કેસોનું વિશ્લેષણ પણ થઈ રહ્યું છે. હવે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ડેટા ઉપલબ્ધ હોવાથી આવા કેસોની પેટર્નને સમજવામાં અને ગુના રોકવા માટેની વધુ સારી રીતો બનાવવામાં મદદ મળશે.
‘પીપલ્સ ફોર એનિમલ્સ’ સાથે જોડાયેલા શ્રીમોયી ચક્રવર્તીએ આને ઐતિહાસિક પગલું ગણાવતા કહ્યું કે પહેલીવાર પ્રાણીઓ વિરુદ્ધના ગુનાઓને રાષ્ટ્રીય ગુનાના આંકડામાં સ્થાન મળ્યું છે.

