ટોલટેક્સમાં પાંચ ટકાનો વધારો

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 2 (પી.ટી.આઈ.) : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ મથકો પરના દરમાં સરેરાર પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહનચાલકોએ પાંચથી 25 રૂપિયા સુધીનો વધુ વેરો ચૂકવવો પડશે. આજે મધરાતથી આ ભાવવધારો અમલી બની ગયો છે. વધારો હાઈવે યુઝર ફીના વાર્ષિક સુધારા મુજબ સરેરાશ પાંચ ટકા રહેવાની ધારણા છે. ટોલ મથકના દરોમાં વધારો અગાઉ એક એપ્રિલથી અમલમાં આવવાનો હતો, પણ લોકસભાની ચૂંટણીનાં કારણે વધારો સ્થગિત કરાયો હતો. એનએચએઆઈના અધિકારીના જણાવ્યા મુજબ નવી વપરાશકર્તા ફી ત્રીજી જૂનથી (આજે મધરાતથી) અમલમાં આવશે. ટોલ ફીમાં ફેરફાર એ દરોમાં સુધારા માટે વાર્ષિક ફેરફારનો એક ભાગ છે, જે જથ્થાબંધ ભાવ સૂચકાંક ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર આશરે 855 ટોલ પ્લાઝા છે, જેના પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (દર અને સંગ્રહ નિર્ધારણ) નિયમો 2008 મુજબ વસૂલવામાં આવે છે. આ પૈકી લગભગ 635 ટોલ પ્લાઝા જાહેર ફંડ આધારીત છે. – અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો : અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Toll Tax New Rules

- Advertisement -

આવતીકાલ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે. લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે. દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીના રૂપિયા 32ના બદલે હવે 33 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે.

Share This Article