મોસ્કો, તા. 19 : રશિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી ફરી ચરમસીમાએ પહોંચવા લાગી છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પહેલાં જ જો બાયડને યુક્રેનને રૂસ વિરુદ્ધ અમેરિકાના લાંબાં અંતરની બેલેસ્ટિક મિસાઇલોના ઉપયોગની મંજૂરી આપતાં જ ભડકેલા રૂસે પરમાણુ નીતિને લીલીઝંડી આપી છે. જો યુક્રેન અમેરિકી મિસાઇલોનો ઉપયોગ કરે, તો તે રશિયાનાં મોટાં શહેરોને નિશાન બનાવી શકે તેમ છે. બાયડનના કદમથી નારાજ રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે નવી પરમાણુનીતિને મંજૂરી આપી હતી.
હવે જો કોઇ પરમાણુ સંપન્ન દેશની મિસાઇલથી રૂસ પર હુમલો કરે, તો પુતિન અણુ હુમલાનો વિકલ્પ વિચારી શકે છે. રૂસે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડનનાં પગલાંના જવાબમાં પોતાના પરમાણુ સિદ્ધાંતો બદલાવ્યા છે. નવા સિદ્ધાંતો મુજબ રશિયા પર પારંપરિક મિસાઇલો, ડ્રોન કે અન્ય વિમાનોથી કરવામાં આવેલો હુમલો પણ પરમાણુ હથિયારના ઉપયોગ સમાન લેખાશે. નવી નીતિમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, જો કોઇ જોડાણનો દેશ રૂસ પર હુમલો કરે, તો તેને સમગ્ર જોડાણનો હુમલો માનવામાં આવશે.
આ જોગવાઇ રૂસે `નાટો’ને ધ્યાનમાં રાખીને સમાવિષ્ટ કરી છે. યુક્રેન યુદ્ધે 1962ના ક્યુબા મિસાઇલ સંકટ બાદથી રશિયા અને પશ્ચિમી દેશો સાથેનો બીજા સૌથી મોટા ટકરાવને જન્મ આપ્યો છે. દરમ્યાન, બ્રિટને આજે 10 રૂસી અધિકારી અને યુવા સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પલગું યુક્રેની બાળકોને યુદ્ધની તાલીમ આપવા અંગે ઉઠાવવામાં આવ્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પરમાણુ નીતિમાં બદલાવ કરીને હુમલાની સીમા ઘટાડી દીધી છે. એક દિવસમાં બનેલા અનપેક્ષિત ઘટનાક્રમે યુરોપિયન દેશોની ઊંઘ ઉડાડી દીધી છે. યુરોપિયન દેશોએ જોખમને ધ્યાને લઈને કાયદેસરનાં ચોપાનિયા છપાવ્યા છે અને પોતાના નાગરિકોને ભયાનક યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે.
નાટો દેશોએ નાગરિકોને ભોજન, પાણી જમા કરવાનું શરૂ કરવા અને કંઈક મોટું થવાનું હોવાની ચેતવણી આપી છે. સ્વીડને પોતાના નાગરિકોને બંકરમાં છુપાઈ જવાની સલાહ આપી છે, તો બીજી તરફ નોર્વેએ ઈમર્જન્સી ચોપાનિયા જારી કર્યા છે જેમાં પૂર્ણ યુદ્ધ સહિતની ઈમર્જન્સીની સ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું છે. ડેનમાર્કે પોતાના નાગરિકોને રાશન, પાણી, દવા જમા કરવા ઈ-મેઈલ કરી દીધો છે, જ્યારે ફિનલેન્ડે પણ ઓનલાઈન બ્રોશર અપડેટ કર્યું છે. – પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે : મોસ્કો, તા. 19 : યુક્રેન અને અમેરિકા સાથેના તનાવ વચ્ચે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. ક્રેમલિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે પુતિનના ભારત પ્રવાસની પુષ્ટિ કરી હતી. જો કે, હજી તારીખોનું એલાન થયું નથી, પણ તેઓ આગામી વર્ષની શરૂઆતમાં ભારત આવે તેવી શક્યતા મીડિયા અહેવાલોમાં દર્શાવાઈ છે. પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ ટૂંક સમયમાં ભારત જશે. અમે તારીખો નક્કી કરી રહ્યા છીએ. ભારતના વરિષ્ઠ પત્રકારો અને તંત્રીઓ સાથેની વીડિયો વાતચીતમાં પેસ્કોવે પુતિનની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં પુતિનને મુલાકાત દરમ્યાન ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. મોદી ગયા મહિને બ્રિક્સ સંમેલનને લઈને રશિયાનાં કઝાન ગયા હતા.

