ચુસ્ત ફિલ્ડર તરીકે વિરાટ ટોચ પર
ચુસ્ત ફિલ્ડર તરીકે વિરાટ ટોચ પર
નવી દિલ્હી, તા. 19 : વન ડે વર્લ્ડ કપની 16 મેચ બાદ આઇસીસીએ સારી ફીલ્ડિંગ કરનાર ખેલાડીઓની સૂચિ જાહેર કરી છે. આ સૂચિમાં નંબર વન પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી છે. આઇસીસીએ વિરાટને 22.30 રેટિંગ પોઇન્ટ આપ્યા છે જ્યારે ઇંગ્લેન્ડનો જો રૂટ 21.73 પોઇન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 21.32 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ખાસ વાત એ છે કે ચુસ્ત ફિલ્ડરોની આ સૂચિમાં ટોચના ત્રણેય ખેલાડીઓની વય 3પ આસપાસની છે. તેમની સામે યુવા ખેલાડીઓ પાણી ભરે છે. આઇસીસીએ વિશ્વકપની 16 મેચ બાદ ચુસ્ત ફિલ્ડરોની સૂચિ જાહેર કરી છે. તેમાં 1પ.પ4 પોઇન્ટ સાથે ન્યુઝીલેન્ડનો ડવેન કોન્વે ચોથા અને પાકિસ્તાનનો શાદાબ ખાન 1પ.13 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર છે. છઠ્ઠા ક્રમે ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ 1પ.00 પોઇન્ટ સાથે છે. અફઘાનિસ્તાનનો રહમત શાહ (13.77) સાતમા, ન્યુઝીલેન્ડનો મિશેલ સેંટનર (13.28) આઠમા, પાક.નો ફખર જમાન (13.01) નવમા અને ભારતનો ઇશાન કિશન (13.00) દસમા ક્રમે છે. વિશ્વ ક્રિકેટમાં ભારતના રવીન્દ્ર જાડેજાની ગણના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર પૈકીના એક તરીકે થાય છે, પણ આઇસીસીએ આજે જાહેર કરેલ સૂચિમાં તે ટોપ ટેનમાં સામેલ નથી. જો કે જેમ જેમ વિશ્વ કપ આગળ વધશે તેમ તેમ જાડેજાની કમાલ જોવા મળશે. આઇસીસી દ્વારા આ સૂચિ મેદાનમાં કેચ કરવા ઉપરાંત કેટલા રન બચાવ્યા અને સ્ફૂર્તિને આધારે બનાવવામાં આવી છે.
