OhmBody CES 2026: CES 2026 માં દિગ્ગજ કંપનીઓ એકથી એક ચડિયાતી પ્રોડક્ટ્સ રજૂ કરી રહી છે. આ વર્ષના સૌથી મોટા ટેક ઇવેન્ટમાં સ્પાર્ક બાયોમેડિકલ કંપનીએ પોતાનું નવું વિયરેબલ ડિવાઇસ ‘ઓમબોડી’ (OhmBody) લોન્ચ કર્યું છે. આ ડિવાઇસ ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. તે માસિક ધર્મ (પીરિયડ્સ) દરમિયાન થતા હેવી બ્લડ ફ્લોને ઘટાડવામાં મદદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે આ ડિવાઇસ કોઈ પણ દવા કે હોર્મોન્સ વગર માત્ર નર્વ સ્ટિમ્યુલેશનના ઉપયોગથી જ રક્તસ્રાવ ઘટાડે છે. સ્પાર્ક બાયોમેડિકલ દ્વારા પોતાની બાયો-ઇલેક્ટ્રોનિક મેડિસિન રિસર્ચના આધારે તૈયાર કરવામાં આવેલું આ એક ‘વેલનેસ વિયરેબલ ડિવાઇસ’ છે.
કેવી રીતે કામ કરે છે ‘ટ્રાન્સક્યુટેનિયસ ઓરિક્યુલર ન્યુરોસ્ટિમ્યુલેશન’ ટેકનોલોજી?
ઓમબોડી ડિવાઇસ કાનની આસપાસની ખાસ ચેતાઓને ઉત્તેજિત (Stimulate) કરવાનું કામ કરે છે. CES 2026 માં કેથરીન રેલે જણાવ્યું કે આ ડિવાઇસ ‘ટ્રાન્સક્યુટેનિયસ ઓરિક્યુલર ન્યુરોસ્ટિમ્યુલેશન’ ટેકનોલોજી પર કામ કરે છે, જેમાં ‘વેગસ અને ટ્રાઇજેમિનલ નર્વ્સ’ ને ઉત્તેજિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરી બ્લડ ફ્લો પર અસર કરે છે. તે બરોળ (Spleen) માં પ્લેટલેટ્સને એક્ટિવ કરીને વધુ પડતા રક્તસ્રાવને રોકવામાં મદદરૂપ થાય છે.
બ્લડ ફ્લોમાં 50 ટકા જેટલો ઘટાડો અને અન્ય ફાયદા
કંપનીએ માનવો પર કરવામાં આવેલા ટ્રાયલના ડેટા પણ પ્રસિદ્ધ કર્યા છે. રિસર્ચ મુજબ, ‘વોન વિલેબ્રાન્ડ’ રોગ ધરાવતી અને ભારે માસિક રક્તસ્રાવનો સામનો કરતી મહિલાઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે પરિણામો સામે આવ્યા તે ચોંકાવનારા છે:
માસિક રક્તસ્રાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
માસિક ધર્મનો સમયગાળો પણ આશરે 20 ટકા જેટલો ઓછો થયો.
પીરિયડ્સ દરમિયાન થતી ખેંચાણ (Cramps) અને થાકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.
હાલમાં આ ડિવાઇસને FDA ની મંજૂરી મળવાની બાકી છે, પરંતુ કંપની તે દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. આગામી 3 થી 5 વર્ષમાં કંપની મોટા પાયે ભાગીદારી કરી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ ઉપકરણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરી રહી છે.

