Indian Diplomatic Gifts: ‘અતિથિ દેવો ભવ’ ની પરંપરાનું પાલન કરનાર ભારત હંમેશા પોતાના મહેમાનોનું સ્વાગત આદર અને સત્કાર સાથે કરે છે. આ સાથે ભેટ આપવાની પરંપરા પણ ભારત ખૂબ જ સારી રીતે નિભાવે છે. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારતીય નેતાઓ અને સરકારી અધિકારીઓ તરફથી મળેલી ભેટોની એક યાદી જાહેર કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન અને કમલા હેરિસને આપવામાં આવેલી મોંઘી ભેટોનો સમાવેશ થાય છે.
અમેરિકી નેતાઓને મળેલી કિંમતી ભેટોની યાદી
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રોટોકોલ ઓફિસના રિપોર્ટ અનુસાર, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન ભારતીય નેતાઓ તરફથી અમેરિકાના ટોચના નેતાઓને અનેક કિંમતી ભેટો મળી હતી. આ ભેટોની કિંમત નિર્ધારિત લઘુત્તમ મૂલ્ય કરતા વધુ હોવાથી તેનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે.
૧. વડાપ્રધાન મોદીની ભેટ – સિલ્વર ટ્રેન સેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઈડનને એક ‘સ્ટર્લિંગ સિલ્વર મેટલ ટ્રેન સેટ’ ભેટમાં આપ્યો હતો. આ ટ્રેન સેટની અંદાજિત કિંમત ૭૭૫૦ ડોલર (આશરે ₹૬.૪ લાખ) હોવાનું જણાવાયું છે. આ કિંમતી ભેટને હવે અમેરિકાના નેશનલ આર્કાઈવ્ઝમાં મોકલી દેવામાં આવી છે.
૨. જી-૨૦ સમિટ દરમિયાનની ભેટ: સપ્ટેમ્બર ૨૦૨૩માં જ્યારે જો બાઈડન જી-૨૦ સમિટ માટે ભારત આવ્યા હતા, ત્યારે પીએમ મોદીએ તેમને લાકડાનું સંદુક, સ્કાર્ફ, કેસર અને ચાના લાકડાના ડબ્બા ભેટ આપ્યા હતા. આ ભેટોની કિંમત આશરે ૫૬૨ ડોલર હતી. જેમાંથી કેસર અને ચા જેવી નાશવંત વસ્તુઓનો યુએસ સિક્રેટ સર્વિસની નીતિ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો.
૩. જીલ બાઈડન અને કમલા હેરિસને મળેલી ભેટ:
જીલ બાઈડન: પૂર્વ ફર્સ્ટ લેડી જીલ બાઈડનને પીએમ મોદી તરફથી ૨૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ એક ‘પશ્મિના શાલ’ મળી હતી, જેની કિંમત આશરે ૨૯૬૯ ડોલર (આશરે ₹૨.૪ લાખ) હતી.
કમલા હેરિસ: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ૧૮ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ પીએમ મોદીએ ‘ભગવાન કૃષ્ણ રાસલીલા સિલ્વર બોક્સ’ ભેટમાં આપ્યું હતું, જેનું મૂલ્ય ૧૩૩૦ ડોલર આંકવામાં આવ્યું છે.
અન્ય અધિકારીઓની ભેટ
માત્ર પીએમ મોદી જ નહીં, પરંતુ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે પણ અમેરિકાના તત્કાલીન એનએસએ જેક સુલિવાનને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ ૫૯૯ ડોલરની કિંમતની ‘કાશ્મીરી પશ્મિના શાલ’ ભેટ આપી હતી. ઉપરાંત, રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ લોયડ ઓસ્ટિનને ૩૭૦૦ ડોલરની કિંમતની ‘શિવ નટરાજની કાંસાની પ્રતિમા’ ભેટ આપી હોવાનો ઉલ્લેખ છે.

