Israel Election Results 2026: ઇઝરાયલમાં મતગણતરી પૂર્ણ, બંને મુખ્ય ગઠબંધનો બહુમતીથી દૂર, નેતન્યાહૂ પાસે હવે કયા વિકલ્પો?

Arati Parmar
3 Min Read

Israel Election Results 2026: નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો, સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર

તેલ અવીવ: ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાયેલી સંસદીય ચૂંટણીઓની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયા બાદ સામે આવેલા વલણો જ આખરી પરિણામ બન્યાં છે, એટલે કે કોઈપણ ગઠબંધનને બહુમતી મળી શકી નથી. ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પાર્ટી અને ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી છે, પરંતુ 120 સભ્યોની સંસદ (નેસેટ)માં બહુમતી મેળવવાથી તેઓ દૂર છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા શરૂ થઈ છે કે નેતન્યાહૂ પાસે એવા કયા વિકલ્પો છે, જેના દ્વારા તેઓ ફરી સત્તામાં આવી શકે છે.

ઇઝરાયલમાં તમામ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ નેતન્યાહૂના નેતૃત્વવાળા ગઠબંધનને 53 બેઠકો મળી છે. ગાદીના વિપક્ષી જૂથને 48 બેઠકો પર જીત મળી છે, જ્યારે આરબ પાર્ટીઓને 19 બેઠકો મળી છે. કોઈને પણ સંસદીય બહુમતી માટે જરૂરી 61 બેઠકો મળી શકી નથી. નેતન્યાહૂની લિકુડ પાર્ટી 27 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. આવી સ્થિતિમાં તેમને સરકાર બનાવવાની તક મળી શકે છે, પરંતુ અત્યારે એવું કહી શકાય નહીં કે તેઓ બહુમતી મેળવી શકશે.

- Advertisement -

લિકુડ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી

ઇઝરાયલની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિશેષ મતપત્રો (ડબલ-એનવલપ)ની ગણતરી પૂર્ણ કરી છે. આ મતપત્રોમાં સૈનિકો, કેદીઓ, વિદેશોમાં તૈનાત રાજદ્વારીઓ અને હોસ્પિટલમાં દાખલ એવા મતદારોના મતો સામેલ છે, જેઓ પોતાના નિર્ધારિત મતદાન મથકો પર જઈને મતદાન કરી શક્યા નહોતા. સમિતિએ જણાવ્યું છે કે વિશેષ મતપત્રોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેનાથી મુખ્ય રાજકીય જૂથો વચ્ચે બેઠકોની વહેંચણીમાં કોઈ ફેરફાર થયો નથી.

  • લિકુડ પાર્ટીને સૌથી વધુ 27 બેઠકો પર જીત મળી છે.
  • ગાદી આઇઝનકોટની યશારે 21 બેઠકો જીતી છે.
  • બી-યાચાદને 12 બેઠકો પર જીત મળી છે.
  • જોઇન્ટ લિસ્ટને ચૂંટણીમાં 11 બેઠકો મળી છે.
  • ડેમોક્રેટ્સ અને રાઆમે 8-8 બેઠકો જીતી છે.
  • યુનાઇટેડ તોરાહ જ્યુડાઇઝમ, યિસરાયેલ બેઇતેનુ અને ઓત્ઝમા યેહુદિતને 7-7 બેઠકો મળી છે.
  • શાસ અને રિલિજિયસ ઝાયોનિઝમે 6-6 બેઠકો પર જીત મેળવી છે.

ઇઝરાયલમાં સરકાર કેવી રીતે બનશે?

આ ચૂંટણી પરિણામ સાથે વર્તમાન કોઈપણ ગઠબંધન માટે સરકાર બનાવવી મુશ્કેલ બની ગઈ છે. બહુમતી માટે જરૂરી 61 બેઠકો સુધી પહોંચવા માટે આરબ પાર્ટીઓના સમર્થન અથવા સહયોગની જરૂર પડશે. યહૂદી નેતૃત્વવાળાં બંને ગઠબંધનો માટે આ સરળ નહીં હોય. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં મોટા રાજકીય સમીકરણો રચાવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

- Advertisement -

ઇઝરાયલના નિષ્ણાતોનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂના વિકલ્પોમાં ગાદી આઇઝનકોટ સાથે સત્તાની વહેંચણી (બંને બે-બે વર્ષ વડાપ્રધાન બને)નો સમાવેશ થાય છે. નેતન્યાહૂ અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટર ધાર્મિક) પાર્ટીઓને સામેલ કર્યા વિના વ્યાપક રાષ્ટ્રીય એકતા સરકાર બનાવવાનો અથવા વિપક્ષના સાંસદોને પક્ષપલટો કરાવીને લિકુડના નેતૃત્વવાળા ગઠબંધનને સમર્થન અપાવવાનો પ્રયાસ પણ કરી શકે છે. જો સરકાર ન બને તો ઇઝરાયલ ફરીથી ચૂંટણીમાં જઈ શકે છે.

- Advertisement -
Share This Article