Pakistan Bangladesh Trade Deficit: પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથેની યારી પડી ભારે: મિત્રતાના નામે વેપારમાં ગઈ મોટી ખોટ, ૭ અબજ ડોલરને પાર પહોંચી વેપાર ખાધ; જાણો ભારત સાથેના નિકાસના ચોંકાવનારા આંકડા

Arati Parmar
3 Min Read

Pakistan Bangladesh Trade Deficit: બાંગ્લાદેશમાં જ્યારે ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સરકારનું તખ્તાપલટ થયું, ત્યારે તે સમયે સૌથી વધુ ખુશ થનારાઓમાં પાકિસ્તાન મોખરે હતું. આ ખુશી અમથી નહોતી. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં આવેલી વચગાળાની સરકારે પાકિસ્તાન માટે બાંગ્લાદેશના દરવાજા ખોલી દીધા. છેલ્લા ૫૦ વર્ષમાં જે નહોતું થયું તે છ મહિનામાં થઈ ગયું અને બાંગ્લાદેશ બન્યા બાદ પ્રથમ વખત ઢાકા અને ઇસ્લામાબાદ વચ્ચે સીધો દરિયાઈ વેપાર શરૂ થયો. પરંતુ એક વર્ષની અંદર જ પાકિસ્તાનને બાંગ્લાદેશ સાથેની મિત્રતા ભારે પડવા લાગી છે. બાંગ્લાદેશ સાથે થતા વેપારમાં પાકિસ્તાનને ખોટ જઈ રહી છે.

આસમાને પહોંચી વેપાર ખાધ

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિના (જુલાઈ-ડિસેમ્બર) ના આંકડા જાહેર કર્યા છે. નવીનતમ આંકડા મુજબ, છ મહિનામાં નવ પાડોશી દેશો સાથે પાકિસ્તાની વેપાર ખાધ ૪૪.૪૨% વધી ગઈ છે. હવે તે ૭.૬૮૩ અબજ ડોલર પર પહોંચી ગઈ છે, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં તે ૫.૩૨૦ અબજ ડોલર હતી.

- Advertisement -

અહેવાલ મુજબ, વેપાર ખાધમાં આ વધારો નિકાસમાં થયેલા ઘટાડાને કારણે થયો હતો. પાકિસ્તાનને પહેલાથી જ અફઘાનિસ્તાન સાથે ભારે તણાવ ચાલી રહ્યો છે. ગયા વર્ષે બંને દેશોના સશસ્ત્ર દળોના જવાનો સરહદ પર સીધા સંઘર્ષમાં ઉતરી આવ્યા હતા, જેને કતાર અને તુર્કીની મધ્યસ્થતાથી શાંત પાડી શકાયો હતો. તણાવ વચ્ચે પાકિસ્તાને ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અફઘાનિસ્તાન સાથેના તમામ પ્રકારના વેપાર બંધ કરી દીધા હતા. તેની અસર પ્રાદેશિક ટ્રેડ ફ્લો પર પડી છે.

ભારતને થતી નિકાસમાં વધારો

પાકિસ્તાનને આશા હતી કે બાંગ્લાદેશ સાથેની તેની નવી મિત્રતા વેપારની નવી તકો ખોલશે, પરંતુ અહીં પણ તેને નિરાશા સાંપડી છે. પાકિસ્તાની અખબાર ‘ડોન’ ના અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં થતા પાકિસ્તાની શિપમેન્ટમાં છ મહિનાના ગાળા દરમિયાન નેગેટિવ ગ્રોથ નોંધાયો છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પાકિસ્તાનને તેના સદાબહાર દોસ્ત (ચીન) સાથે પણ વેપાર ઓછો થયો છે. આ દરમિયાન સૌથી ખાસ વાત એ છે કે આ ગાળામાં પાકિસ્તાનથી ભારતને થતી નિકાસમાં વધારો નોંધાયો છે.

- Advertisement -

બાંગ્લાદેશ સાથે મજબૂત થઈ રહ્યા છે પાકિસ્તાનના સંબંધો

મોહમ્મદ યુનુસ સત્તામાં આવ્યા બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. આમાં સંરક્ષણ સંબંધોની મજબૂતી ઘણી મહત્વની છે. આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશ એરફોર્સના ચીફ હસન મહમૂદ ખાને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના તેમના સમકક્ષ ઝહીર અહેમદ બાબર સિદ્ધે ઉપરાંત આર્મી ચીફ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પાકિસ્તાની એર ચીફએ બાંગ્લાદેશને પોતાના JF-17 થંડર ફાઈટર જેટ્સની ઓફર આપી હતી. JF-17 એ મલ્ટી-રોલ કોમ્બેટ ફાઈટર જેટ છે જેને પાકિસ્તાને ચીન સાથે મળીને તૈયાર કર્યું છે.

- Advertisement -
Share This Article