Gujarat bridge collapse : ગુજરાતના વડોદરામાં મહિસાગર નદીમાં પુલ તૂટી પડવાની ઘટના બાદ ગુમ થયેલા વ્યક્તિની શોધ માટે શનિવારે સતત ચોથા દિવસે પણ શોધખોળ કામગીરી ફરી શરૂ કરવામાં આવી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. શુક્રવારે નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો અને એક ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે હજુ પણ એક વ્યક્તિ ગુમ છે અને તેને શોધવાના પ્રયાસો શનિવારે ફરી શરૂ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે ગંભીરા ગામ નજીક ચાર દાયકા જૂના પુલનો એક ભાગ તૂટી પડતાં અનેક વાહનો મહિસાગર નદીમાં પડી ગયા હતા. આ પુલ આણંદ અને વડોદરા જિલ્લાને જોડે છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે શનિવારની કામગીરીનો બીજો ધ્યેય નદીમાં પડેલા મુખ્ય સ્લેબને દૂર કરવાનો છે. ધામેલિયાએ કહ્યું, ‘કાર્યવાહીના આગામી તબક્કામાં (શનિવારે) અમે મુખ્ય સ્લેબ દૂર કરવા અને ગુમ થયેલા વ્યક્તિની શોધ માટે ટેકનિકલ ટીમની મદદ લઈશું અને નદીમાં પડી ગયેલા સલ્ફ્યુરિક એસિડ ભરેલા ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મદદ લેવામાં આવશે.
પ્રાથમિક તપાસ અહેવાલને ટાંકીને, રાજ્યના એક મંત્રીએ શુક્રવારે કહ્યું હતું કે આ અકસ્માત પેડેસ્ટલ અને જોઈન્ટ તૂટવાને કારણે થયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને અન્ય એજન્સીઓ બચાવ પ્રયાસોનો ભાગ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે પુલ તૂટી પડવાના સંદર્ભમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા હતા. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રચાયેલી સમિતિ દ્વારા સુપરત કરાયેલા પ્રારંભિક અહેવાલના આધારે સસ્પેન્શન કાર્યવાહી કરવામાં આવી છે.