Harsh Sanghavi Dediapada Visit: ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં હર્ષ સંઘવીની ગર્જના, ૧૦૦૦ કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો; શું બોલ્યા ડેપ્યુટી સીએમ?

Arati Parmar
3 Min Read

Harsh Sanghavi Dediapada Visit: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે છેલ્લા ઘણા સમયથી આદિવાસી રાજનીતિના કેન્દ્ર બનેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ આપના ફાયરબ્રાન્ડ નેતા અને સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં હુંકાર ભરી હતી. સંઘવીએ એક જનસભાને સંબોધતા કહ્યું છે કે આદિવાસી સમાજ અને ભાજપ એક જ સિક્કાની બે બાજુઓ છે. સંઘવીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી વિસ્તારોના અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ અસરકારક રીતે પહોંચી છે. સંઘવીએ ઉમેર્યું કે વડીલો સાક્ષી છે કે કોંગ્રેસના શાસનમાં તેમને ખાડાઓમાં રસ્તો શોધવો પડતો હતો, આદિવાસી વિસ્તારોમાં રસ્તા કે વીજળીની કોઈ વ્યવસ્થા નહોતી.

- Advertisement -

નામ લીધા વગર કર્યો આકરો પ્રહાર

ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ડેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને નમન કર્યા હતા. સંઘવીએ કહ્યું કે આદિવાસી વિસ્તારોનો અસલી વિકાસ પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના ‘સુવર્ણ યુગ’માં જ શક્ય બન્યો છે. સંઘવીએ આપનું નામ લીધા વગર કહ્યું કે નેતાઓએ સમાજને વહેંચવાને બદલે સમાજને મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. સોશિયલ મીડિયા અને મીડિયામાં આરોપ લગાવીને અને ભડકાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવાથી ભલે પબ્લિસિટી મળી જાય, પરંતુ આ માત્ર આદિવાસી સમાજને વોટ બેંક સમજવાનો નાપાક પ્રયાસ છે, આદિવાસી સમાજ કોઈને છોડશે નહીં.

આપ-કોંગ્રેસના 1000 કાર્યકરો ભાજપમાં જોડાયા

૨૦૨૨ની ચૂંટણીમાં આપ એ ડેડિયાપાડાની બેઠક મોટા અંતરથી જીતી હતી. આ પછી ચૈતર વસાવાની સમગ્ર આદિવાસી સમુદાયમાં લોકપ્રિયતા સામે આવી હતી. હર્ષ સંઘવીએ ડેડિયાપાડાના કાર્યક્રમમાં મંચ પર ઘણા લોકોનું ભાજપમાં આવવા પર કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી પ્રેરિત થઈને આ પ્રસંગે ૧૦૦૦થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ફૂટ પાડવાની અને તુષ્ટિકરણની રાજનીતિ પાછળ છોડીને ભારતીય જનતા પાર્ટીનો દામન થામ્યો છે.

- Advertisement -

ચૂંટણીઓ પહેલા હર્ષ સંઘવીની એન્ટ્રી

ડેડિયાપાડાના કાર્યક્રમમાં ભાજપના સૌથી જૂના આદિવાસી નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડાની જયંતી પર ડેડિયાપાડા જ પહોંચ્યા હતા. હર્ષ સંઘવી એવા સમયે ડેડિયાપાડા પહોંચ્યા છે જ્યારે ગુજરાતમાં મહાનગરપાલિકાની સાથે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ યોજાય તેવી ચર્ચા છે. આ ચર્ચા અહીંના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ સામે આવી છે, જેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા.

Share This Article