Sabarmati River Bullet Train Bridge: 12 માળની ઊંચાઈ પર દોડશે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, જાણો સાબરમતી રિવર બ્રિજનું કેટલું કામ પૂરું?

Arati Parmar
2 Min Read

Sabarmati River Bullet Train Bridge: દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઈ-અમદાવાદ) ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલા પુલનું કામ હવે એડવાન્સ સ્થિતિમાં પહોંચી ગયું છે. અહીં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન લગભગ 12 માળની ઊંચાઈ પર દોડશે. NHSRCL એ પોતાના તાજા અપડેટમાં આ રિવર બ્રિજના કામની વિગતો શેર કરી છે. સાબરમતી નદી પર બની રહેલો આ પુલ લગભગ 36 મીટર એટલે કે 118 ફૂટ ઊંચો છે. આ ઊંચાઈ લગભગ 12 માળની બિલ્ડિંગ જેટલી છે.

બુલેટ ટ્રેન સ્ટેશનથી 1KM નું અંતર

અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબો આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનને સમાંતર બનાવવામાં આવી રહ્યો છે. વ્યૂહાત્મક રીતે સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે સ્થિત આ પુલ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 4 કિલોમીટરના અંતરે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પુલના તમામ આઠ ગોળાકાર પિયર્સ (થાંભલા) પૂરા થઈ ગયા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. જેમાંથી ચાર નદીના તળમાં, બે નદીના કિનારા પર (દરેક બાજુ એક-એક) અને બે નદીના કાંઠાની બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટરની વચ્ચે છે.

- Advertisement -

નદીનો પ્રવાહ પ્રભાવિત નહીં થાય

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બ્રિજના નિર્માણ દરમિયાન નદીના જળ પ્રવાહમાં લઘુત્તમ અવરોધ સુનિશ્ચિત કરવા માટે પિયર્સની વ્યૂહાત્મક રીતે ગોઠવણી કરવામાં આવી છે. આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી મળીને બન્યો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ્સ દ્વારા સાઇટ પર જ (ઈન-સીટુ) કરવામાં આવી રહ્યું છે. આનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટેની એક વિશેષ ટેકનિક છે. ગુજરાતમાં આવતા વર્ષે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું સંચાલન થવાનું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરનું કામ ખૂબ જ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 15 ઓગસ્ટ, 2027 ના રોજ બુલેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.

Share This Article