Arnold Schwarzenegger: બોડી બિલ્ડિંગ અને ફિલ્મ રસિયામાં આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરનું નામ અજાણ્યું નથી. હોલિવૂડ સુપરસ્ટાર અને સાત વખતના મિસ્ટર ઓલિમ્પિયા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે તેમના આહારમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 78 વર્ષની ઉંમરે તેમણે પ્રોટીન શેક લેવાનું છોડી દીધું છે અને તેના બદલે વનસ્પતિ આધારિત એટલે કે પ્લાન્ટ બેઝ્ડ ખોરાક વધાર્યો છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. ચાલો જાણીએ.
દંતકથારૂપ બોડીબિલ્ડિરનો દૃષ્ટિકોણ બદલાયો
બોડી બિલ્ડિંગ માટે માંસાહાર અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવા ફરજિયાત છે, એવો એક ખ્યાલ છે. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે પણ આખી જિંદગી એ માન્યતાને અનુસર્યા હતા. પણ તેમની વર્તમાન ફિટનેસ ફિલોસોફીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, મેં પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. હવે મારા આહારનો લગભગ 70% હિસ્સો વનસ્પતિ આધારિત હોય છે. હું ક્યારેક-ક્યારેક માંસાહાર કરું છું, પરંતુ મોટા ભાગે શાકાહાર ખોરાક જ લઉં છું.
આહારમાં પરિવર્તનનું કારણ શું?
આ પરિવર્તનનું કારણ માત્ર સ્નાયુઓની નહીં, પરંતુ આખા શરીરનું આરોગ્ય જાળવવાનું છે. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે કહ્યું હતું કે, સ્નાયુઓ માટે પ્રોટીન અત્યંત મહત્ત્વપૂર્ણ છે, વૃદ્ધાવસ્થામાં તો તે ખાસ લેવું જ જોઈએ, પરંતુ તેને પ્રોસેસ્ડ સપ્લિમેન્ટ્સ દ્વારા નહીં, બલકે કુદરતી સ્ત્રોતો દ્વારા જ લેવું જોઈએ. આહારમાં આવો ફેરફાર કરવાનો મુખ્ય હેતુ શરીરમાંથી ‘LDL કોલેસ્ટ્રોલ’(લો-ડેન્સિટી લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલ, જેને બોલચાલની ભાષામાં ‘ખરાબ (Bad) કોલેસ્ટ્રોલ’ કહેવામાં આવે છે)ને ઘટાડીને હૃદયનું આરોગ્ય સુધારવાનો છે. LDL હૃદયરોગ અને સ્ટ્રોક માટે કારણભૂત મનાય છે.
સાંધાઓ જાળવવા જરૂરી છે
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર હવે આકરી કસરતો કરીને શરીરને વધુ શ્રમ આપવા નથી ઈચ્છતા. એને બદલે તેઓ શરીરના સાંધાઓની સંભાળ લેવા પર ભાર મૂકે છે. તેમણે પોતાના આહારમાં એવું પરિવર્તન કર્યું છે કે, હૃદયની સાથોસાથ સાંધા માટે પણ ફાયદાકારક હોય અને દિવસભર ઊર્જા પૂરી પાડે.
ભોજનમાં શું લેવું જોઈએ?
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર હવે નાસ્તામાં ઓટમીલ અથવા બેરી અને ગ્રાનોલા સાથેનું ગ્રીક યોગર્ટ લે છે, જે પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનું સંતુલિત મિશ્રણ પૂરું પાડે છે. રાત્રિભોજનમાં તેઓ કાકડીનું સલાડ તથા કોળાના બીજના તેલમાં બનાવેલો વેજિટેરિયન સૂપ લે છે. તેમનું ભોજન પૌષ્ટિક અને હળવું હોય છે, જે તેમના ભૂતકાળના ભારે આહારથી એકદમ વિરુદ્ધ પ્રકારનું છે.
પ્રોટીન પાઉડર લેવામાં રહેલા જોખમો
દુષિત પદાર્થો: ઘણાં પ્રોટીન પાઉડરમાં સીસું, આર્સેનિક, કેડમિયમ અને પારો જેવી ભારે ધાતુઓ હોઈ શકે છે.
નબળું નિયમન: પ્રોટીન પાઉડર બનાવતી ઘણી કંપનીઓ FDA (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા અપાયેલા નિર્દેશોનું ચોકસાઈપૂર્વક નિયમન કરતી નથી. ઘણીવાર ઉત્પાદનમાં લેબલ પર દર્શાવેલી સામગ્રી ઉત્પાદનમાં હોય જ, એની ખાતરી હોતી નથી.
પાચન સમસ્યાઓ: પ્રોટીન પાઉડર પાચનતંત્ર માટે પરેશાની કરી શકે છે, ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સની એલર્જી ધરાવતા લોકોને પાચન સંબંધિત તકલીફ થઈ શકે છે.
લોહીમાં સુગર વધવાનું જોખમઃ પ્રોટીન પાઉડરમાં ઉમેરાયેલી ખાંડ પણ ઘણીવાર લોહીમાં સુગરનું પ્રમાણ અણધારી રીતે વધારી શકે છે.
પોષણનો શ્રેષ્ઠ માર્ગ કુદરતી સ્ત્રોતોમાં રહેલો છે
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર કહે છે કે, કોઈપણ પ્રકારના સપ્લિમેન્ટ્સને બદલે કુદરતી ખોરાક દ્વારા પ્રોટીન મેળવવું યોગ્ય છે. દાળ-કઠોળ અને સૂકા મેવા ફક્ત પ્રોટીન જ નહીં, પણ વિટામિન, ખનીજ તત્ત્વો અને ફાઇબર જેવા અન્ય જરૂરી પોષક તત્ત્વો પણ પૂરા પાડે છે, જે પાઉડરમાં ઓછા હોય છે. પ્રોટીન પાઉડરનો ફક્ત તબીબી દેખરેખ હેઠળ, જેમ કે શસ્ત્રક્રિયા પછી સ્વસ્થ થવા દરમિયાન જ લેવો જોઈએ.
યુવાનો અને સ્પોર્ટ્સ પર્સન માટે પ્રોટીન જરૂરી
જો કે, યુવાનીમાં કે સ્પોર્ટ્સ પર્સન્સ માટે પ્રોટીન જરૂરી પણ છે. આર્નોલ્ડે 78 વર્ષની વયે પ્રોટીન શેક લેવાનું બંધ કર્યું છે, પરંતુ એથ્લેટિક પર્ફોર્મન્સ માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા એપ્રુવ્ડ પ્રોટીન કે સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે. દરેક વ્યક્તિની જરૂરિયાત તેની જીવનશૈલી પ્રમાણે જુદી જુદી હોઈ શકે છે. આ માટે ડૉક્ટર કે નિષ્ણાતોની સલાહ લેવી અત્યંત જરૂરી છે.