Green tea health benefits: શું તમે ગ્રીન ટી પીવો છો? તો જાણો ઓરલ હેલ્થ અને યાદશક્તિ વધારવા માટેના આ ખાસ ફાયદા
Green tea health benefits: વસ્તુઓને લાંબા સમય સુધી યાદ રાખવા માટે મેમરી પાવરનું સારું હોવું અત્યંત આવશ્યક છે. તેવી જ રીતે સારી સ્મિત માટે તમારા ઓરલ હેલ્થ અને દાંતનું સ્વસ્થ અને ચમકદાર હોવું જરૂરી માનવામાં આવે છે. બ્રેઈન અને ઓરલ હેલ્થમાં સુધારા માટે વ્યક્તિ ન જાણે કેવા કેવા ઉપાયો અપનાવે છે. પરંતુ, શું તમને ખબર છે કે વજન ઘટાડવા માટે લોકપ્રિય ગ્રીન ટીમાં કેટેચિન, એપિગેલોકેટેચિન ગેલેટ, પોલીફેનોલ અને એલ-થીનિન જેવા એક્ટિવ કમ્પાઉન્ડ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ આવશ્યક હોય છે. ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તમારા મગજ અને ઓરલ હેલ્થ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગ્રીન ટીથી શું ફાયદા થાય છે?
ગ્રીન ટીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં બનતા ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં સહાયક હોય છે. ફ્રી રેડિકલ્સ સેલ્સને ડેમેજ કરી શકે છે અને લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓના જોખમને વધારી શકે છે. NCBI ના અભ્યાસ મુજબ ગ્રીન ટીના પોલીફેનોલ શરીરની સોજાને ઘટાડવા, સેલ્સને સુરક્ષા પ્રદાન કરવા અને સ્વાસ્થ્યને બહેતર બનાવવામાં સહાયક હોય છે. આ ઉપરાંત તેમાં રહેલું EGCG શરીરમાં ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે.
ઓરલ હેલ્થ માટે ગ્રીન ટીના ફાયદા
માત્ર બ્રશ કરવાથી જ ઓરલ હેલ્થને બહેતર કરી શકાતી નથી. આ માટે તમારે તમારા ખાનપાન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ગ્રીન ટીમાં રહેલા કેટેચિન દાંતમાં સડો અને પેઢાની સમસ્યાને વધારતા બેક્ટેરિયાને ઉગતા રોકવામાં સહાયક હોય છે.
સડાના જોખમને ઘટાડવામાં સહાયક
JMPC મુજબ ગ્રીન ટીમાં રહેલા પોલીફેનોલ બેક્ટેરિયાને દાંતની સપાટી પર ચોંટતા રોકી શકે છે, જેનાથી કેવિટી થવાનું જોખમ ઓછું થઈ શકે છે. આ ઉપરાંત, ગ્રીન ટીમાં રહેલા કેટેચિન કેવિટીનું કારણ બનતા બેક્ટેરિયાની ગતિવિધિને પણ ઘટાડી શકે છે.
પેઢાને સ્વસ્થ બનાવો
પેઢામાં સોજા અને સંક્રમણને પિરિયોડોન્ટલ ડિઝીઝ કહેવામાં આવે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત રીતે ગ્રીન ટી પીવે છે, તેમનામાં પેઢાના સોજા અને બ્લીડિંગની સમસ્યા ઓછી હોય છે. ગ્રીન ટીના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો પેઢાના સોજાને ઘટાડવામાં સહાયક હોઈ શકે છે.
મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદગાર
મોઢાની દુર્ગંધ ઘણીવાર બેક્ટેરિયાના કારણે ઉત્પન્ન થતા સલ્ફરને લીધે હોય છે. NCBI મુજબ મોઢાની દુર્ગંધને દૂર કરવા માટે તમે ગ્રીન ટીનું સેવન કરી શકો છો. તે મોઢાની દુર્ગંધનું કારણ બનતા બેક્ટેરિયાને ઉગતા રોકે છે. સાથે જ ઓરલ હાઈજીનને બહેતર બનાવવામાં મદદ કરે છે.
બ્રેઈન ફંક્શન માટે ગ્રીન ટીના ફાયદા
એકાગ્રતા વધારો
ગ્રીન ટીમાં કેફીન ઓછી માત્રામાં હોય છે, પરંતુ તે મગજને સક્રિય રાખવા માટે પૂરતું માનવામાં આવે છે. NCBI મુજબ ગ્રીન ટીમાં રહેલા એલ-થીનિન અને કેફીનનું કોમ્બિનેશન ધ્યાન અને મેન્ટલ પરફોર્મન્સને બહેતર બનાવવામાં મદદ કરી શકે છે.
યાદશક્તિને બહેતર બનાવવામાં સહાયક
NCBI ની સ્ટડી મુજબ ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિનો મૂડ બહેતર રહે છે. તેની સીધી અસર વ્યક્તિની યાદશક્તિ પર પડે છે. તેના સેવનથી વ્યક્તિને ઉંમરની સાથે વસ્તુઓને યાદ રાખવામાં વધારે મહેનત કરવી પડતી નથી.
ગ્રીન ટી માત્ર એક સામાન્ય પીણું નથી, પરંતુ તેમાં રહેલા કેટેચિન, પોલીફેનોલ, EGCG અને એલ-થીનિન જેવા તત્વો શરીરને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરી શકે છે. ઉપલબ્ધ સ્ટડીઝ જણાવે છે કે તે દાંત અને પેઢાના સ્વાસ્થ્યને બહેતર બનાવવા, મોઢાની દુર્ગંધ ઘટાડવા, ધ્યાન અને એકાગ્રતા વધારવા તથા મગજની કાર્યક્ષમતાને સમર્થન આપવામાં મદદ કરી શકે છે. જોકે, તેને કોઈ બીમારીના ઈલાજનો વિકલ્પ માનવો જોઈએ નહીં. સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી સાથે મર્યાદિત માત્રામાં ગ્રીન ટીનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક હોઈ શકે છે.

