Vyaghrasan Benefits: વર્તમાન સમયમાં દરેક લોકો એટલા વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે કે, તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતાં નથી. પરંતુ વ્યસ્તતા વચ્ચે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરુરી છે. લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરવું, ખોટી બેસવાની આદતો અને માનસિક દબાણ વગેરે શરીર અને મન બંને પર નકારાત્મક અસર પડે છે. તેના કારણે ખાસ કરીને કમરનો દુખાવો, તણાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, યોગાભ્યાસને સ્વાસ્થ્ય સુધારવા માટે એક અસરકારક રસ્તો કહેવાય છે. યોગના ઘણા આસનોમાંથી વ્યાઘ્રાસન એક એવું આસન છે, જે માત્ર શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે જ જાણીતું નથી, પરંતુ તે માનસિક શાંતિ અને તણાવ દૂર કરવામાં પણ મદદરુપ થાય છે.
આ આસન કરોડરજ્જુના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને શરીરના નીચેના ભાગને સ્થિરતા પ્રદાન કરે છે. તે કરોડરજ્જુની લવચીકતા વધારે છે, જેથી કમરની સમસ્યાઓ ઓછી થાય છે અને તમે આરામ અનુભવી શકો છો.
આ આસનથી થતા લાભ
આ આસન કરવાથી મન શાંત થાય છે અને તણાવ, ચિંતા જેવી સમસ્યાઓ દૂર થાય છે. નિયમિત અભ્યાસ કરવાથી મગજમાં રક્ત પ્રવાહ વધે છે, જેનાથી એકાગ્રતા અને ધ્યાન આપવાની ક્ષમતામાં સુધારો થાય છે. માનસિક તણાવ ઓછો થવાને કારણે ઊંઘ પણ સુધરે છે અને વ્યક્તિ વધુ ઊર્જાવાન અને સકારાત્મક અનુભવે છે.
ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત
વ્યાઘ્રાસન કરતી વખતે પેટના અવયવો પર હળવો દબાણ પાચનતંત્રને સક્રિય કરે છે, જેનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. નિયમિત અભ્યાસ કરવાથી ખોરાકનું પાચન સુધરે છે અને ભૂખ યોગ્ય સમયે લાગે છે.
તે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારો કરે છે. આ આસનથી, ઓક્સિજન અને પોષક તત્વો શરીરના વિવિધ ભાગોમાં સારી રીતે પહોંચે છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે અને થાક ઘટાડે છે. ખાસ કરીને પગ, હાથ અને પીઠના સ્નાયુઓ વ્યાઘ્રાસનથી મજબૂત બને છે. રક્ત પરિભ્રમણમાં સુધારો થવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશો.
આસન કરતી વખતે શું ધ્યાન રાખવું
વ્યાઘ્રાસનના વિવિધ ફાયદા છે, પરંતુ તે કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જે લોકોને ગરદન, હાથ-પગ કે માથા સંબંધિત કોઈ સમસ્યા હોય તેમણે આ આસન ટાળવું જોઈએ. સ્પોન્ડિલાઇટિસ, સ્લિપ ડિસ્ક કે સાયટિકા જેવા ગંભીર રોગોથી પીડાતા લોકો માટે આ આસન હાનિકારક હોઈ શકે છે. હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર કે ગર્ભાવસ્થાના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લીધા વિના આ આસનનો અભ્યાસ ન કરો. શરૂઆતમાં શરીરની ક્ષમતા અનુસાર આ આસન વધારો.