Yoga for diabetes: યોગાભ્યાસથી ઘટશે ડાયાબિટીસનું જોખમ: વૈજ્ઞાનિક રિપોર્ટમાં 40 ટકા સુધી ફાયદો સાબિત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Yoga for diabetes: ભારતમાં ડાયાબિટીસની બીમારીથી કરોડો લોકો પીડાઈ રહ્યા છે. વર્ષ 2023 એક અભ્યાસ મુજબ દેશમાં 10. 1 કરોડ લોકો એટલે કે દેશની 11.4 ટકા વસતી ડાયાબિટીસથી પીડાઈ રહી છે. તેમાં પણ જો કોઈ વ્યક્તિને એકવાર ટાઈપ ટુ ડાયાબિટીસ થાય તો પછી તે આજીવન પીછો છોડતો નથી. ડૉક્ટરો પાસે પણ તેને જડમૂળમાંથી ખત્મ કરવા માટે કોઈ જ દવા નથી. હા, દવાઓથી માત્ર તેને નિયંત્રણ કરી શકાય છે અથવા તેને વધતો રોકી શકાય છે. આ ઉપરાંત આ રોગ પરિવારના કોઈ સભ્યને થાય છે તો, તે આવનારી નવી પેઢીમાં આવવાની સંભાવના રહેલી હોય છે. જો કે, ભારતમાં પહેલાથી જ એવા ઉપાય છે, જે આ ચેઈનને તોડી શકે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. હવે વિજ્ઞાને પણ આ વાત સ્વીકારી છે.

‘યોગાભ્યાસથી 40 ટકા સુધી ઘટી શકે ડાયાબિટીસનું જોખમ’ રિપોર્ટ 

તાજેતરમાં રિસર્ચ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ ઈન ઈન્ડિયા દ્વારા અને આ અગાઉ પૂર્વ અધ્યક્ષ ડૉ.એસવી મધુના નેતૃત્વમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં  કહેવામાં આવ્યું છે કે, રોજ યોગાભ્યાસથી ટાઈપ ટૂ ડાયાબિટીસ થવાના જોખમને 40 ટકા સુધી ઘટાડી શકાય છે. દિલ્હીની યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સિસના એન્ડોક્રિનોલોજી વિભાગના વડા ડૉ. મધુનું કહેવું છે કે, આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ટાઇપ 2 ડાયાબિટીસને રોકવામાં યોગની ભૂમિકા શોધવાનો છે.

- Advertisement -

સરકારને સોપાયો રિપોર્ટ 

આ રિપોર્ટને જાણીતા ડાયાબિટીસ નિષ્ણાત અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાને સુપરત કર્યો છે. ‘યોગ અને ટાઇપ 2 ડાયાબિટીસનું નિવારણ’ રિપોર્ટના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, યોગાભ્યાસ કરતી વ્યક્તિઓમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના 40 ટકા સુધી ઘટી ગઈ છે. ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, યોગના માધ્યમથી ટાઇપ 2 ડાયાબિટીસના નિવારણને વિજ્ઞાનિક રીતે દસ્તાવેજીકરણ કરવાની પહેલી કોશિશ છે.

- Advertisement -

યોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે રામબાણ ઉપાય

ઉલ્લેખનીય છે કે, પરંપરાગત સારવાર સાથે જોડાયેલા નિષ્ણાતો અને યોગ નિષ્ણાતો પહેલીથી કહેતા આવ્યા છે કે, યોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા અથવા અટકાવવા માટે રામબાણ ઉપાય છે, પરંતુ વિજ્ઞાન આ સ્વીકારવા તૈયાર નહોતું. હવે જ્યારે આ સંશોધન અભ્યાસ સામે આવ્યો છે, તો શક્ય છે કે યોગ દ્વારા લોકોને આ બીમારીથી બચાવી શકાશે.

Share This Article