Tejashwi Yadav: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ઉમેદવારને લઈને સહમતી થઈ ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ પણ તેજસ્વીને ઉમેદવાર બનાવવા સમર્થન આપ્યું છે. એવામાં હવે મહાગઠબંધન દ્વારા પત્રકાર પરિષદ યોજી તેજસ્વીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાંથી RJD જ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. બીજી તરફ NDA તરફથી મુખ્યમંત્રી કોણ બનશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડાશે જ્યારે જનતા દળ યુનાઈટેડના નેતાઓ કહી રહ્યા છે કે NDA ચૂંટણી જીતશે તો નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.
કોંગ્રેસનું તેજસ્વી યાદવને સમર્થન
નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બિહાર કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ પણ હાજર હતા. અત્યાર સુધી કોંગ્રેસમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં ખચકાટ હતો. જે હવે દૂર થઈ ગયો છે. નોંધનીય છે કે બેઠકની વહેંચણીને લઈને પણ આરજેડી અને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યા છે. ગતિરોધના કારણે અનેક બેઠકો પર કોંગ્રેસ અને RJD બંનેએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. બિહારના નેતાઓ કહી રહ્યા છે કે બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ થશે.
બિહારની 243 વિધાનસભા બેઠકો પર મહાગઠબંધન તરફથી કુલ 256 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. RJD 143, કોંગ્રેસ 43 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ NDAમાં ભારતીય જનતા પાર્ટી અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય સાથી પક્ષો 41 બેઠકો પર ચૂંટણી લડશે.