Amazon launch 27 Satellites: ઇલોન મસ્કને ટક્કર, જેફ બેઝોસની એમેઝોને લોન્ચ કર્યા 27 સેટેલાઇટ્સ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Amazon launch 27 Satellites: ઇલોન મસ્કને ટક્કર આપવા માટે જેફ બેઝોસ હવે કોઈ કસર છોડવા માગતા નથી. સ્ટારલિંકને ટક્કર આપવા માટે એમેઝોન દ્વારા 27 સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઇટ્સ ગ્લોબલ ઇન્ટરનેટ કવરેજને વધુ મજબૂત બનાવવા માટે મોકલવામાં આવ્યા છે. ધ યુનાઇટેડ લોન્ચ એલાયન્સ એટ્લાસ V રોકેટ ફ્લોરિડામાં આવેલા કેપ કેનેવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશન પરથી 28 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. લો અર્થ ઓર્બિટમાં એમેઝોન દ્વારા 3200 સેટેલાઇટ્સ છોડવામાં આવશે. ‘પ્રોજેક્ટ કુઈપર’ હેઠળ એમેઝોન આ માટે 80 રોકેટ લોન્ચ કરશે, જેમાંથી આ પહેલું છે.

સ્ટારલિંકને ટક્કર આપશે પ્રોજેક્ટ કુઈપર

- Advertisement -

સ્ટારલિંક બ્રોડબેન્ડ નેટવર્કને ટક્કર આપવા માટે એમેઝોન દ્વારા પ્રોજેક્ટ કુઈપર લોન્ચ કરવામાં આવ્યું છે. સ્ટારલિંકની હાલ ઓર્બિટમાં 7200 સેટેલાઇટ્સ છે. એમેઝોન દ્વારા જે લોન્ચ કરવામાં આવ્યું છે તેના ત્રણ કલાક પહેલાં જ સ્ટારલિંક દ્વારા પણ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેટની દુનિયામાં હાલ મોટી હરીફાઇ છે, છતાં એમેઝોન તેમના મિશનને લઈને ખૂબ જ તત્પર છે. તમામ સેટેલાઇટ એકવાર અંતરીક્ષમાં પહોંચી જાય પછી એન્ડ-ટૂ-એન્ડ નેટવર્ક કનેક્ટિવિટી લોકોને પૂરી પાડવામાં આવશે.

630 કિલોમિટરના અંતરે રહેશે સેટેલાઇટ્સ

પ્રોજેક્ટ કુઈપર હેઠળ 27 સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઇટ્સ પૃથ્વીથી 450 કિલોમિટરની ઊંચાઈએ રહેશે. ત્યાર પછી સેટેલાઇટ્સ 630 કિલોમિટરની ઊંચાઈએ આપમેળે જશે અને ત્યાર પછી તે કામ શરૂ કરશે. એમેઝોન દ્વારા એટ્લાસ V અને ULAના નવા વલ્કન સેન્ટોર રોકેટ દ્વારા સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવશે.

એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ સેટેલાઇટ્સ

2023ના ઓક્ટોબરમાં એમેઝોન દ્વારા બે પ્રોટોટાઇપ સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. એટ્લાસ V રોકેટ દ્વારા લોન્ચ કરેલી આ સેટેલાઇટ્સની સફળતા બાદ 27 નવી સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી છે. એમેઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમણે સેટેલાઇટ્સની દરેક સિસ્ટમ અને સબસિસ્ટમને અપગ્રેડ કરી છે, જેથી પરફોર્મન્સ વધુ સારું થયું છે. એમાં આરે એન્ટેના, પ્રોસેસર્સ, સોલર આરે, પ્રોપ્યુલ્શન સિસ્ટમ અને ઓપ્ટિકલ ઇન્ટર-સેટેલાઇટ્સ લિંક જેવી દરેક સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી છે. નવી સેટેલાઇટ્સમાં ડાયએલેક્ટ્રિક મિરર ફિલ્મ લગાવવામાં આવી છે, જેથી તેના પર સનલાઇટ પડે તો પણ પૃથ્વી પરથી તે ન જોઈ શકાય.

વર્ષના અંત સુધીમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાની સંભાવના

એમેઝોન દ્વારા પ્રોજેક્ટ કુઈપરની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ તે વર્ષના અંત સુધીમાં કસ્ટમર્સને કવરેજ પૂરી પાડશે. એમેઝોન દુનિયાભરના લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાની પહેલ કરી રહ્યું છે અને તે માટે આ સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવી છે. આ માટે એમેઝોન દ્વારા બ્લુ ઓરિજન, સ્પેસએક્સ અને ફ્રાન્સની કંપની એરીયન્સપેશ સાથે ડીલ કરવામાં આવી છે, જેથી આ પ્રોજેક્ટ સફળ રહે.

Share This Article