Aadhaar App Update: ભારતમાં ડિજિટલ ઓળખને વધુ સુરક્ષિત બનાવવા માટે UIDAI એ એક નવી આધાર એપ લોન્ચ કરી છે. આ એપ જૂની mAadhaar એપનું નવું અને વધુ સુરક્ષિત સંસ્કરણ છે. આ એપ ખાસ કરીને સામાન્ય લોકો માટે બનાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના મોબાઈલ ફોન પર જ આધાર સાથે જોડાયેલા કામ સરળતાથી અને સુરક્ષિત રીતે કરી શકે. આ એપ Android અને iOS બંને પર ઉપલબ્ધ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે એક જ મોબાઈલ ફોન પર પરિવારના અનેક સભ્યોના આધાર પ્રોફાઇલ સાચવી શકાય છે. આ સુવિધા વૃદ્ધો, બાળકો અને એવા લોકો માટે ખૂબ ઉપયોગી છે, જેમને મોબાઈલ કે ટેકનોલોજીનો ઓછો અનુભવ છે.
એક જ એપથી તમામ આધાર સાથે જોડાયેલા કામ
નવી આધાર એપમાં હવે તમે એક મોબાઈલ ફોનમાં પરિવારના પાંચ સભ્યો સુધીની આધાર પ્રોફાઇલ ઉમેરી શકો છો. આનો અર્થ એ છે કે પરિવારનો એક જ સભ્ય પોતાના ફોનમાં આખા પરિવારના આધાર કાર્ડ ડિજિટલ સ્વરૂપે રાખી શકે છે. આ સુવિધા એવા લોકો માટે ખૂબ મદદરૂપ છે, જેઓ સ્માર્ટફોન ચલાવતા નથી જાણતા જેમ કે વૃદ્ધો, નાના બાળકો અથવા ટેકનોલોજીથી ઓછા પરિચિત લોકો. પરિવારનો કોઈ પણ જવાબદાર સભ્ય આ એપથી દરેકના આધાર સંબંધિત કામ સરળતાથી કરી શકે છે.
દસ્તાવેજ ખોવાઈ જવાનો કે ખોટા ઉપયોગનો ખતરો ઓછો
હવે દરેક જગ્યાએ ફિઝિકલ આધાર કાર્ડ લઈને ફરવાની જરૂર નહીં પડે. આ એપમાં રહેલા QR કોડ બતાવીને ડિજિટલ ઓળખ સાબિત કરી શકાય છે. મુસાફરી, હોટેલ ચેક-ઇન અથવા અન્ય કોઈ ઓળખ સંબંધિત કામમાં વપરાશકર્તા સીધા એપમાંથી પોતાની ડિજિટલ આઈડી બતાવી શકે છે. આનાથી દસ્તાવેજ ખોવાઈ જવાનો કે દુરુપયોગ થવાનો જોખમ ઘણો ઓછો થઈ જાય છે.
દરેક પ્રોફાઇલ હશે સુરક્ષિત
નવી આધાર એપમાં સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. દરેક પ્રોફાઇલને તમે પાસવર્ડ અથવા બાયોમેટ્રિક લોકથી સુરક્ષિત કરી શકો છો. ઘણા કિસ્સાઓમાં Face Authentication નો ઉપયોગ પણ કરી શકાય છે, જેનાથી સુરક્ષા વધુ મજબૂત બને છે.
નવી પ્રોફાઇલ ઉમેરવી અત્યંત સરળ
નવી એપમાં કોઈની આધાર પ્રોફાઇલ ઉમેરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે એપ ખોલો, “Add Profile” વિકલ્પ પસંદ કરો, તે વ્યક્તિનો ૧૨-અંકનો આધાર નંબર નાખો, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે અને OTP નાખતાની સાથે જ પ્રોફાઇલ ઉમેરાઈ જશે. જોકે, કેટલાક કિસ્સાઓમાં Face Authentication પણ કરવામાં આવી શકે છે.

