ઈરાને મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયેલ પર હુમલો, નેતન્યાહુએ કહ્યું- દરેક પરિસ્થિતિ માટે તૈયાર
તેહરાન/તેલ અવીવ, 14 એપ્રિલ. ઈરાને ઈઝરાયેલ પર 200થી વધુ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. ઈઝરાયેલનો દાવો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મોટાભાગની મિસાઈલો અને ડ્રોન ઈઝરાયેલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. ઈઝરાયલના ડિફેન્સ ફોર્સ બેઝને થોડું નુકસાન થયું છે. બીજી તરફ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ સતત બગડતી પરિસ્થિતિને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે રવિવારે સાંજે 4 વાગ્યે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ઈરાને રવિવારે સવારે 1800 કિમી દૂર ઈઝરાયેલ પર જોરદાર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો. સીરિયામાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા બાદ આ જવાબી કાર્યવાહી હોવાનું કહેવાય છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અનુસાર, આ એક લક્ષ્યાંકિત હુમલો છે.
ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલે સીરિયામાં કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને બદલો લેવાની વાત કરી હતી. આ હુમલામાં સેનાના ટોચના કમાન્ડર સહિત સાત સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતા. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું.
બીજી તરફ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ કહ્યું છે કે 100થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે અને તમામ હુમલાઓને રોકવામાં આવી રહ્યા છે. ઇઝરાયલ, લેબનોન અને ઇરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. જ્યારે સીરિયા અને જોર્ડને તેમની એર ડિફેન્સ સિસ્ટમને એલર્ટ પર મૂકી દીધી છે.
ઈઝરાયેલના વડાપ્રધાને યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેમનો દેશ કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે, પછી ભલે તે રક્ષણાત્મક હોય કે આક્રમક. નેતન્યાહુએ કહ્યું કે અમને સમર્થન કરવા માટે અમેરિકાની સાથે તેઓ બ્રિટન, ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોની પ્રશંસા કરે છે.
ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા અંગે યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન ઈઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમેરિકા હંમેશા ઈઝરાયેલના લોકોની સાથે ઉભું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે વ્હાઇટ હાઉસમાં ઈમરજન્સી બેઠક યોજી હતી.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે પણ ઈરાનના હુમલાની નિંદા કરતા કહ્યું છે કે બ્રિટન ઈઝરાયેલ અને તેના તમામ પ્રાદેશિક ભાગીદારોની સુરક્ષા માટે ઊભું રહેશે.