પાક. જેલમાં બંધ સરબજિતસિંહની હત્યા કરનારા અંડરવર્લ્ડ ડોન આમીર સરફરાજની કોઈ અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી
લાહોર, તા. 14 : પાકિસ્તાનમાં ભારત વિરોધીઓની લક્ષિત હત્યાના જારી સિલસિલા વચ્ચે જાસૂસીના આરોપસર પાક. જેલમાં બંધ સરબજિતસિંહની હત્યા કરનારા અંડરવર્લ્ડ ડોન આમીર સરફરાજની કોઈ અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
એક મીડિયા હેવાલ મુજબ, પાકિસ્તાનના વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન પૈકી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના સ્થાપક હાફિઝ સૈયદના નજીકના મનાતા આમીરની લાહોરના ઈસ્લામપુર વિસ્તારમાં બાઈકથી આવેલા બે અજાણ્યા શખ્સે ગોળ મારીને હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, સરબજિતસિંહ 1990માં ભૂલથી પાક.ની સીમામાં દાખલ થઈ ગયા બાદ પાક.
સેનાએ તેમની ધરપકડ કરી લીધી હતી અને જાસૂસીના આરોપ લગાવી વર્ષો સુધી જેલમાં કેદ રાખ્યા હતા. અનેક લડત બાદ જ્યારે તેમને છોડવાનો સમય આવ્યો ત્યારે આઈએસઆઈના ઈશારે આમીરના કહેવાથી કવતરું રચીને જેલમાં જૂથ દ્વારા કરાયેલા હુમલામાં સરબજિતસિંહની હત્યા કરાઈ હતી. ડિસેમ્બર 2018માં પાકિસ્તાનની એક કોર્ટે પુરાવાના અભાવને ટાંકીને સરબજિતની હત્યાના બે આરોપી અમીર સરફરાઝ અને મુદ્દસરને છોડી મૂકયા હતા.
કોઈએ આ બંને વિરુદ્ધ જુબાની આપી ન હતી. નોંધનીય છે કે, પાકિસ્તાનમાં અનેક વખત બનેલી લક્ષિત હત્યાની ઘટનાઓમાં ભારત વિરોધી આતંકીઓનો સફાયો થતો રહ્યો છે. ભારત પાક.માં ઘૂસીને આ હત્યાઓ કરાવી રહ્યું છે તેવા આરોપો પાકિસ્તાન અવારનવાર લગાવતું રહ્યું છે. જો કે, ભારતે આ મુદ્દે પ્રતિક્રિયા આપી નથી. અલબત્ત, વૈશ્વિક સ્તરે પાકના આ આરોપોને હંમેશાં ફગાવ્યા છે.