Bhilwara SDM Clash: રાજસ્થાનના ભીલવાડામાં સીએનજી પંપ પર સામાન્ય વાત પર મોટો વિવાદ થયો હતો, જેમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. SDMએ કર્મચારીને થપ્પડ મારતા, સામે કર્મચારીએ પણ SDMને લાફો ઝીંકી દીધો હતો. મારામારીની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો.
ઘટના ક્યાં બની?
મળતી માહિતી મુજબ, આ મામલો રાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અજમેર-ભીલવાડા હાઇવે પર સ્થિત જસવંતપુરાના સીએનજી પેટ્રોલ પંપ પર મંગળવારે બપોરે 3:43 વાગ્યાનો છે. પોલીસ ફરિયાદમાં SDMના જણાવ્યા અનુસાર, તેઓ દિવાળી પર પોતાના ઘરે ભીલવાડા આવ્યા હતા અને તેઓ કેટલાક સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પર કારમાં સીએનજી ભરવા માટે ઊભા રાખ્યા હતા. જોકે, કર્મચારીએ તેમની કારને બદલે પાછળથી આવેલી અન્ય એક કારમાં સીએનજી ભરી દીધો હતો. જ્યારે SDMએ આ બાબતે ટોક્યા, તો પેટ્રોલપંપ પર કામ કરતા કર્મચારી તેમની સાથે દલીલ કરવા લાગ્યો હતો.
SDMની પત્નીની છેડતી?
SDM ની પત્નીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું કે, “અમે આખા પરિવાર સાથે દિવાળી ઉજવવા ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમે પેટ્રોલ પંપ પર ઇંધણ ભરવા માટે રોકાયા હતા. ત્યાં પેટ્રોલપંપના કર્મચારીએ મારી સામે આંખ મારી, જેનાથી મારા પતિ ખિજાયા તો કર્મચારીએ અમારી કારને બદલે અમારી પાછળની કારમાં ઇંધણ ભરવાનું શરૂ કર્યું. અને મને કહ્યુંઃ ‘શું માલ લાગી રહી છે, મારા પતિ ઉતર્યા તો ત્રણ લોકોએ તેમની સાથે મારામારી શરૂ કરી દીધી. ત્યારબાદ પેટ્રોલ પંપનો માલિક આવ્યો અને ગાળાગાળી શરૂ કરી દીધી.’
ફરિયાદમાં, પત્નીએ જણાવ્યું હતું કે, “મને પૂછવામાં આવ્યું કે, ‘તમે શું શોધી રહ્યા છો?’ જ્યારે મારા પતિ ઉતર્યા, ત્યારે ત્રણેય માણસોએ તેમના પર હુમલો કરવાનું શરૂ કર્યું. પછી, જ્યારે પેટ્રોલ પંપ માલિક આવ્યો, ત્યારે તેણે પણ અમારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું.”
SHO બચ્છરાજ ચૌધરીએ જણાવ્યું કે, SDM સાથે મારામારી કરવા બદલ પંપના ત્રણ કર્મચારીઓ – દીપક માળી, પ્રભુ લાલ કુમાવત અને રાજા શર્માની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
વીડિયોમાં શું જોવા મળ્યું?
સીસીટીવી ફૂટેજ અને રિપોર્ટમાં જોવા મળેલી વિગતો અનુસાર:
- SDM ગાડીમાંથી ઉતરીને પેટ્રોલ પંપના કર્મચારીને ગુસ્સામાં કહે છે: “ઓયે, અહીંથી હટાવ આ, SDM છું અહીંનો…” અને પોતાની કાર તરફ ઇશારો કરીને કહે છે કે “તને ખબર નથી કે ગાડી અહીં ઊભી છે…” આટલું કહીને SDM પંપકર્મીને થપ્પડ મારી દે છે.
- પહેલો કર્મચારી પૂછે છે: “શું તમે આ ખોલ્યું હતું (ફ્યુઅલ કેપ)?”
- એટલામાં જ એક અન્ય કર્મચારી દોડીને આવે છે અને SDM સાથે દલીલ કરે છે. જ્યારે બીજો કર્મચારી કહે છે: “ધક્કા કેમ મારી રહ્યા છો?” તો SDM તેને પણ લાફો ઝીંકી દે છે.
- પછી SDM કહે છે: “SDM ને હાથ કેવી રીતે લગાવ્યો? ઊભો રહે તું…”
- બીજા એક વીડિયોમાં SDM કહેતા નજરે પડે છે: “મારી પહેલાં ગાડી કેવી રીતે લગાવી?”
- કર્મચારી જવાબ આપે છે: “તમે ફ્યુલ કેપ ખોલી જ નહતી.”
- SDM ધમકી આપતા દેખાય છે, ત્યારે ત્યાં ઊભેલો એક યુવક કહે છે: “ગાળાગાળી ન કરો.”
- SDM ગુસ્સામાં પૂછે છે: “તને ખબર છે હું કોણ છું?” યુવક કહે છે: “તમે હિન્દુસ્તાન કી તોપ હો કંઈ પણ હો… પરંતુ, ગાળાગાળી ન કરો.’
- ત્યારબાદ SDM કર્મચારીને ફરી પૂછે છે: “માર્યું કેવી રીતે મને?” અને તેને ફરી એકવાર લાફો ઝીંકી દે છે.
- આ ઘટનાને પગલે સરકારી અધિકારી અને સામાન્ય કર્મચારી વચ્ચેના વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં પોલીસે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.