WPI Down In April: રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે નોંધાયા બાદ જથ્થાબંધ ફુગાવો પણ 13 માસના તળિયે પહોંચ્યો છે. પેટ્રોલ-ડીઝલ, વીજળી અને કાચા માલની કિંમતોમાં નોંધનીય ઘટાડાના કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 0.85 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 2.05 ટકા હતો. જે ગતવર્ષે એપ્રિલમાં 1.34 ટકા હતો. જે અગાઉ માર્ચ, 2024માં 0.20 ટકા હતો.
જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા પાછળનું મુખ્ય પરિબળ ઈંધણ અને કાચા માલની કિંમતોમાં ઘટાડો છો. જો કે, મેન્યુફેક્ચરિંગ સંબંધિત ચીજોના ભાવમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી.
રિટેલ ફુગાવો છ વર્ષના તળિયે
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી એપ્રિલમાં ઘટી 3.16 ટકા સાથે છ વર્ષના તળિયે નોંધાઈ છે. સતત ત્રીજા મહિને રિટેલ મોંઘવારી આરબીઆઈના લક્ષ્યાંક 4 ટકાના દરની અંદર નોંધાઈ છે. માર્ચ, 2025ની તુલનાએ એપ્રિલ, 2025માં રિટેલ મોંઘવારી 18 બેઝિસ પોઈન્ટ ઘટી જુલાઈ, 2019ના સૌથી નીચા તળિયે પહોંચી છે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) એપ્રિલ, 2025માં 1.78 ટકા નોંધાયો છે. ગ્રામીણની 1.85 ટકાની તુલનાએ શહેરોમાં 1.64 ટકા સાથે ખાદ્ય ચીજોનો રિટેલ ફુગાવો નીચો રહ્યો હતો.
આ વર્ષે મોંઘવારી નિયંત્રણમાં- આરબીઆઈ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ એપ્રિલ 2025ની મોનેટરી પોલિસી બેઠકમાં અંદાજ મૂક્યો હતો કે નાણાકીય વર્ષ 2025-26 (FY26)માં જો ચોમાસુ સામાન્ય રહ્યું તો રિટેલ ફુગાવો 4% આસપાસ રહી શકે છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ફુગાવો 3.6% રહેવાની ધારણા છે, જે અગાઉના 4.5%ના અંદાજ કરતા ઘણો ઓછો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધી 3.9% થવાનો અંદાજ છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં 3.8% નોંધાશે. જ્યારે માર્ચ-26 ત્રિમાસિકમાં 4.4 ટકા રહેવાનો અંદાજ છે.