Surat BJP Public Protest: સુરત મહાનગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપનો અજેય ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર ૧૧ના ઉમેદવારો જ્યારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે સ્થાનિક રહીશોએ ‘જય શ્રી રામ’ અને ‘ભાજપ ગો બેક’ના નારા લગાવી તેમને સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા હતા. લોકોનો ગુસ્સો એટલો પ્રચંડ હતો કે નેતાઓને ધક્કા મારીને વિસ્તારની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેના કારણે શાસક પક્ષ માટે ભારે કફોડી સ્થિતિ સર્જાઈ છે.
મહિલાઓનો કાળો વિરોધ અને નેતાઓનો ઉધડો
ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થયો હોવાને કારણે સ્થાનિકોમાં લાંબા સમયથી નારાજગી હતી. જ્યારે ઉમેદવારો મંદિરે દર્શન કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને માજી મેયર હેમાલી બોઘાવાલા જેવા દિગ્ગજ નેતાઓની હાજરી હોવા છતાં લોકોએ તેમનો ઉધડો લીધો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે મુશ્કેલીના સમયે કોઈ ડોકાતું નથી અને હવે મતો માંગવા માટે પક્ષના નેતાઓ લાઈનો લગાવી રહ્યા છે.
ટેકેદારોની દાદાગીરી અને પોલીસનો મોટો કાફલો
વિવાદ ત્યારે વધુ વણસ્યો જ્યારે ભાજપના ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો. આનાથી સ્થાનિક યુવાનો અને મહિલાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે બેકાબૂ બની કે નેતાઓને બચાવવા માટે એક નહીં પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની હાજરી હોવા છતાં લોકોનો આક્રોશ શમ્યો નહોતો અને અંતે ભાજપના નેતાઓએ પ્રચાર પડતો મૂકીને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું.
અશાંતધારો અને મંદિરના મુદ્દે સોશિયલ મીડિયા પર હોબાળો
આ ઘટના પાછળ ગોરાટ હનુમાન મંદિર અને અશાંતધારાના અમલનો મુખ્ય મુદ્દો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતા વિપક્ષોને પણ બેઠું ભાથું મળી ગયું છે. લોકોએ સોસાયટીની બહાર એવા પોસ્ટરો પણ લગાવ્યા હતા કે જે નેતાઓ મંદિર અને હિન્દુ હિતોનું રક્ષણ કરી શકે તે જ વોટ માંગવા આવે. ભાજપના ગઢમાં જ થયેલો આ પ્રચંડ વિરોધ આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે, કારણ કે વર્ષોથી વફાદાર રહેલા મતદારો હવે પાયાની સુવિધાઓ અને નીતિઓ મુદ્દે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે.

