Kuldeep Yadav Comeback: ભારતીય ટીમના ચાઈનામેન બોલર કુલદીપ યાદવનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ માર્ચ 2017માં થયું હતું. આશ્ચર્યની વાત એ છે કે કુલદીપને આઠ વર્ષથી પણ વધારે સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં 15 જ મેચ રમી છે. ઘણી વાર કુલદીપને ટીમમાં સ્થાન નહોતું મળતું, તો કેટલીક વાર તેને સ્થાન મળ્યા પછી પણ ટીમથી બહાર કરી દેવાતો. માત્ર ટેસ્ટ મેચમાં જ નહીં પણ વન-ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીયની મેચોમાં પણ કુલદીપ સાથે આવું બન્યું છે. જો કે, આ સ્થિતિમાં તેણે ઉત્તમ દેખાવ કરીને પોતાની જાતને ફરી એકવાર સાબિત કરી દીધી છે.
ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન પણ સ્થાન મળ્યું નહીં
જૂનથી શરૂ થયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં કુલદીપ યાદવને સ્થાન અપાયું હતું પણ તેણે 5માંથી એક પણ મેચમાં રમવાની તક અપાઈ નહોતી. આ રીતે 5 સતત મેચ સુધી બહાર રહેવાથી કોઈપણ ખેલાડી તણાવમાં જઇ શકે છે, પણ કુલદીપને પોતાના પર ખૂબ ભરોસો હતો કે તેણે તેના સારા પ્રદર્શન માટે એશિયા કપમાં જરૂર તક મળશે.
એશિયા કપ પછી ફરી ચમક્યો કુલદીપ
એશિયા કપ 2025માં કુલદીપ યાદવને ભારતીય ટીમમાં સ્થાન અપાયું હતું. કુલદીપે એશિયા કપની દરેક મેચમાં ખૂબ જ અદ્ભૂત પ્રદર્શન કરી સાબિત કર્યું કે તે ટીમનો મહત્ત્વનો ખેલાડી છે. જણાવી દઈએ કે એશિયા કપ 2025ની ટુર્નામેન્ટમાં કુલદીપ સૌથી વધારે વિકેટ લેનારો બોલર છે. તેણે આ ટુર્નામેન્ટની 7 મેચમાં 9.29ની એવરેજથી 17 વિકેટ લીધી હતી.
દિલ્હી ટેસ્ટમાં પણ અદ્દભુત પ્રદર્શન
જ્યારે-જ્યારે કુલદીપ યાદવને તક મળી છે, ત્યારે તેણે ખુદને સાબિત કર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં પણ કુલદીપે ધમાકેદાર પ્રદર્શન આપ્યું છે. તેણે પહેલી ઇનિંગમાં જ પાંચ વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવ એવો લેફ્ટહેન્ડર સ્પિનર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વાર એક ઇનિંગમાં 5 અથવા તેનાથી વધુ વિકેટ લીધી છે. કુલદીપની પહેલાં આ સિદ્ધિ ઇંગ્લેન્ડના સ્પિનર જૉની વૉર્ડલે હાંસલ કરી હતી. આ પ્રદર્શન સાથે કુલદીપે દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્પિનર પૉલ એડમ્સને પાછળ છોડી દીધો હતો, જેણે ચાર વખત ટેસ્ટ ઇનિંગમાં પાંચ અથવા તેથી વધુ વિકેટ લીધી હતી.
IPLમાં ઉત્તમ બોલિંગ
કુલદીપ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ ટીમ માટે રમે છે. ગયા IPL સીઝનમાં કુલદીપે શરૂઆતના કેટલાક મેચોમાં ઉત્તમ બોલિંગ કરી હતી, પરંતુ બાદમાં તેમની ફોર્મમાં ઘટાડો આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમ પણ એક સમયે પોઇન્ટ્સ ટેબલમાં ઉપર હતી, પરંતુ પછીના મેચોમાં કુલદીપની જેમ જ ટીમનો પરફોર્મન્સ ઘટી તો દિલ્હીની ટીમ પણ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી. કુલદીપે IPL 2025માં કુલ 14 મેચ રમીને 24.06ની સરેરાશ સાથે 15 વિકેટ ઝડપી હતી.