Gold Price Today: મુંબઈ ઝવેરી બજારમાં શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહ્યું હતું. જોકે બંધ બજારે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ વધુ ઉંચકાયા હતા. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઔંશના 3332થી 3333 વાળા ઉંચામાં 3347 થયા પછી નીચામાં ભાવ 3274 થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે 3324થી 3325 ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી.
અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર કરાર વિષયક સ્વિત્ઝર્લેન્ડમાં મળી રહેલી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર હતી. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં 100.86 થઈ છેલ્લે 100.42 રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલિંગ આવી રહ્યાની ચર્ચા હતી. ટ્રમ્પે ચીનની ચીજો પર 80 ટકા ટેરિફ કરી દેવાના સંકેત આપ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.85.42 વાળા રૂ.85.49થી 85.50 બોલાતા થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં સોનું સસ્તુ થયું
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના વધુ રૂ.900 તૂટી 995ના ભાવ રૂ.98200 તથા 999ના રૂ.98500 બોલાયા હતા. અમદાવાદ બજારમાં ત્રણ દિવસમાં સોનાના ભાવ રૂ.2000 તૂટી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.500 ઘટી રૂ.96500 રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના 32.56થી 32.57 વાળા સપ્તાહના અંતે ૩૨.૭૨થી ૩૨.૭૩ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ઘટી 995ના રૂ.95500 તથા 999ના રૂ.95900 (જીએસટી વિના) રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.95726 વાળા રૂ.96250રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના 987થી 988 વાળા ઉછળી ઉંચામાં ભાવ 1000 પાર કરી 1003 થઈ છેલ્લે ભાવ 1001થી 1002 ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ 979થી 980 ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે 1.06ટકા પ્લસમાં રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં 64.27 થયા પછી નીચામાં ભાવ 62.84 થઈ છેલ્લે ભાવ 63.91 ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં 61.45તથા નીચામાં 59.79 થઈ છેલ્લે ભાવ 61.02 ડોલર બોલાઈ રહ્યા હતા.