California AI disclosure law: કેલિફોર્નિયાએ બનાવ્યો વિશ્વનો પહેલો કાયદો, હવે AIએ પોતાની ઓળખ આપવી ફરજિયાત

Arati Parmar
By Arati Parmar 4 Min Read

California AI disclosure law: અમેરિકામાં કેલિફોર્નિયા પહેલો એવો સ્ટેટ બન્યો છે જ્યાં હવે AIએ પણ પોતાની ઓળખ આપવી પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે ઘણા વ્યક્તિએ સુસાઇડ કર્યું છે. તેમ જ કેટલાક ખૂબ જ મુશ્કેલીમાં પણ મુકાયા છે. આથી કેલિફોર્નિયા દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં AIએ પણ પોતાની ઓળખ આપવી પડશે. તે કોઈ વ્યક્તિ નથી અને ફક્ત એક મશીન છે એ વિશે તેણે લોકોને સતત જણાવતાં રહેવું પડશે. સ્ટેટ સેનેટર એન્થની પડિલા દ્વારા આ નિયમની માંગ કરવામાં આવી હતી અને એના પર ગવર્નર ગેવિન ન્યુસમે સાઇન કરી એને પાસ કર્યું હતું. આથી હવે ડેવલપર્સ દ્વારા તેમના ચેટબોટમાં એ વાતની ખાસ ખાતરી રાખવી પડશે કે તેમણે યુઝર્સને સતત જણાવતાં રહેવું પડશે કે તેઓ જેની સાથે વાત કરી રહ્યા છે એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ AI છે.

AIએ નોટિફિકેશન દ્વારા ઓળખ આપવી જરૂરી

આ નવા કાયદા મુજબ ચેટબોટના ડેવલપર્સે હવે યુઝર્સને એકદમ સાફ અને કોઈ પણ ગૂંચવણ વગર જણાવવાનું રહેશે કે તેઓ જેની સાથે વાત કરી રહ્યા છે એ ફક્ત એક AI છે, નહીં કે મનુષ્ય. સતત વાત કરતાં યુઝર્સને એની આદત પડી જાય છે અને વ્યક્તિની જેમ વાત કરતું હોવાથી તેમને એવું લાગે છે કે તે પણ એક માનવી છે. આથી ડેવલપર્સના માથા પર હવે એ જવાબદારી છે કે યુઝર્સને કોઈ પણ રીતે એ ન લાગવું જોઈએ કે તે માનવી સાથે વાત કરી રહ્યો છે. આ નિયમ અનુસાર કેટલાક કમ્પેનિયન ચેટબોટ ઓપરેટર્સ માટે નવા નિયમ બનાવવા પડ્યા છે. આ નિયમ અનુસાર તેમણે દર વર્ષે એન્યુઅલ રિપોર્ટ આપવાનો રહેશે.

સુસાઇડને લગતી વાતો માટે એન્યુઅલ રિપોર્ટ

કંપનીઓ દ્વારા આ એન્યુઅલ રિપોર્ટને કેલિફોર્નિયાની સુસાઇડ પ્રિવેન્શન ઓફિસમાં જમા કરાવવાનો રહેશે. આ રિપોર્ટમાં ચેટબોટ ઓપરેટર્સ દ્વારા સુસાઇડને લગતી તમામ માહિતી હોવી જોઈએ. કોઈ વ્યક્તિ સુસાઇડ વિશે વાત કરી રહ્યો છે, કોઈ જાણકારી માગી રહ્યો છે, કોઈ સુસાઇડ કરવાનું વિચારી રહ્યો છે અથવા તો કોઈએ સુસાઇડ કર્યું પણ હોય એની પણ જાણ કરવાની રહેશે. આ તમામ ડેટાને ઓફિસ દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ કાયદાનું કારણ એક જ છે કે ડેવલપર્સ હવે યુઝર્સની સેફ્ટીને ખૂબ જ મહત્ત્વ આપે અને એને સિરિયસલી લે.

AIનું ડેવલપમેન્ટ જવાબદારી ભરેલું હોવું જોઈએ

ગવર્નર ગેવિન ન્યુસમે કહ્યું કે દરેક AI અને ટેક્નોલોજી કંપનીએ બાળકોને પ્રોટેક્ટ કરવાની વાતને પ્રાધાન્ય આપી ડેવલપમેન્ટ કરવું જોઈએ. આ વિશે તેમણે કહ્યું કે ‘ચેટબોટ અને સોશિયલ મીડિયા જેવી આધુનિક ટેક્નોલોજી લોકોને ખાસ કરીને બાળકોને પ્રેરિત, શિક્ષિત અને એકમેક સાથે કનેક્ટ કરી શકે છે. જોકે કોઈ પણ પ્રકારની ગાઇડલાઇન અને સિદ્ધાંત વગર કામ કરવામાં આવતાં ટેક્નોલોજી લોકોનું જીવન તહસ-મહસ કરી શકે છે. એનાથી બાળકોના જીવ પર ખૂબ જ મોટું જોખમ રહે છે.’ કેલિફોર્નિયામાં બાળકોની ઓનલાઇન સેફ્ટીને લઈને જે ઝુંબેશ ચાલી રહી છે એના કારણે આ નિયમ બનાવવામાં આવ્યા છે.

ભારતમાં પણ બની રહ્યા છે નવા નિયમો

ભારત હવે પણ હવે કેટલાક નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે. AI જ્યારથી આવ્યું છે ત્યારથી શું સાચું છે અને શું ખોટું એ લોકોને સમજમાં નથી આવી રહ્યું. આથી ભારત સરકાર દ્વારા એ માટે ચોક્કસ અને કડક નિયમ લાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે હવે દરેક AI જનરેટેડ કન્ટેન્ટ પર લેબલ હોવું ફરજિયાત બનાવવામાં આવશે એવા એંધાણ છે. યુઝર્સ જ્યારે કોઈ પણ કન્ટેન્ટ જુએ ત્યારે એને ખબર હોવી જોઈએ કે આ AIની મદદથી બનાવવામાં આવ્યું છે. અગાઉ ચીન અને યુરોપિયન યુનિયન દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આ માટે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરી રહી છે. આ માટે તેઓ પ્રાઇવેટ કંપની પાસે પણ તેમના ઇનપુટ માગી રહી છે.

Share This Article