Lenskart UPI connected smart glasses: મેટા કંપનીના સ્માર્ટ ગ્લાસિસ ધીમે ધીમે વધુ ને વધુ પોપ્યુલર થઈ રહ્યા છે. શરૂઆતમાં કંપનીને આ પહેલમાં ખાસ સફળતા મળી નહોતી. તેને નવેસરથી લોન્ચ કર્યા પછી લોકોએ સારો પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં સ્માર્ટ ગ્લાસમાં ફક્ત કેમેરા અને સ્પિકર્સ હતાં. હમણાં કંપનીએ તેમાં સ્માર્ટ ડિસ્પ્લે પણ ઉમેરી દીધો છે. મેટાની પ્રોડક્ટ છે એટલે તેમાં મેટા એઆઇ હોય એ પણ સ્વાભાવિક છે. આથી હવે આપણે પોતાના સ્માર્ટ ગ્લાસિસને સ્માર્ટફોન સાથે કનેક્ટ કર્યા પછી મેટા આઇ સાથે વાતચીત કરતાં કરતાં ઘણી બધી માહિતી મેળવી શકીશું અને તે આપણી નજર સામે ડિસ્પ્લે થશે. સ્માર્ટફોનના સ્ક્રીન પર પણ નજર નાખવાની જરૂર નહીં!
જોકે મેટાના સ્માર્ટ ગ્લાસિસ ખાસ્સા મોંઘા છે. તેના વિકલ્પ રૂપે જુદી જુદી ભારતીય કંપનીઓ પણ કંઈક અંશે સ્માર્ટ ગ્લાસિસ ડેવલપ કરવા લાગી છે. આવી ફ્રેમમાં મોટા ભાગે સ્પિકર્સ હોય છે. જે બ્લુટૂથથી આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આવી ફ્રેમમાં નંબરવાળા ગ્લાસિસ પણ ફીટ કરી શકાય છે. આથી આવી સ્માર્ટ ફ્રેમ ખરીદી લો તો તમારે અલગ બ્લુટૂથ હેન્ડ ફ્રી ડિવાઇસ ખરીદવાની જરૂર રહે નહીં. પ્રેક્ટિકલી આ ઘણી ઉપયોગી પ્રોડક્ટ સાબિત થાય તેમ છે.
હવે હજી વધુ એક પ્રકારના સ્માર્ટ ગ્લાસ આવી રહ્યા છે. લેન્સકાર્ટ કંપનીએ હમણાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ ૨૦૨૫માં તેના નવા સ્માર્ટ ગ્લાસ આવી રહ્યા હોવાની જાહેરાત કરી. આ સ્માર્ટ ગ્લાસ યુપીઆઇ સાથે કનેક્ટેડ હશે!
આથી આપણે આવા સ્માર્ટ ગ્લાસ પહેર્યા હોય તો ખરેખર આંખના ઇશારે ક્યુઆર કોડ સ્કેન કરી શકીશું અને વોઇસ ઓથેન્ટિકેશનની મદદથી પેમેન્ટ પૂરું કરી શકીશું. યુપીઆઇ પેમેન્ટ ઉપરાંત, આ ગ્લાસિસથી આપણે ફોટો-વીડિયો કેપ્ચર કરી શકીશું અને સ્માર્ટ આસિસ્ટન્ટ્સ સાથે વાતચીત પણ કરી શકીશું.
હજી હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વિગતે વાત કરી હતી કે ભારતની યુપીઆઇ વ્યવસ્થા સ્માર્ટફોનના સ્ક્રીનની બહાર નીકળીને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે કનેક્ટ થવાની તૈયારીમાં છે. યુપીઆઇ કનેક્ટેડ સ્માર્ટ ગ્લાસ એ જ દિશામાંનું એક પગલું છે. લેન્સકાર્ટ કંપનીના યુપીઆઇ કનેક્ટેડ સ્માર્ટ ગ્લાસ યુપીઆઈ સર્કલ વ્યવસ્થાનો ઉપયોગ કરશે.